અમદાવાદ: ગુજરાત ધીરે ધીરે ડ્રગ્સનું કેપિટલ બની રહ્યું છે. અવાર નવાર દરિયા કિનારેથી ઝડપાતું ડ્રગ્સ સાબિતી આપે છે કે રાજ્યમાં મોટા પાયે લોકો ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે. રાજ્યમાં મોટા શહેરોમાં પણ ડ્રગ્સનું સેવન કરનાર અને પેડલરો પકડાય છે. ગુજરાત એક તરફ વિકાસમાં હરણફાળ કરી રહ્યું છે પરંતુ ડ્રગ્સનું દુષણ અંદરખાને લોકોને અને ખાસ કરીને યુવાધનને બરબાદ કરી રહ્યું છે. ગુરુવારે ગાંધીધામ ખાતેથી લગભગ 800 કરોડનું કોકેઈન ઝડપાતા રાજ્યમાં હડકંપ મચી જવા પામ્યો છે.
સરકાર ચોપડે ડ્રગ્સ: હવે સરકારી આંકડાની વાત કરીએ તો ગુજરાત સરકાર વિધાનસભામાં રજુ કરેલા આંકડા મુજબ ચાલુ વર્ષે 25 જિલ્લા, અદાણી પોર્ટ અને દરિયાઈ વિસ્તાર મળીને કુલ 4058.01 કરોડનું ડ્રગ્સ, દારૂ, ચરસ, હેરોઇન ઝડપ્યું હોવાની વિગતો રજુ કરી હતી.
અદાણી પોર્ટ ડ્રગ્સનું સેન્ટર: સરકારે આપેલા આંકડા અનુસાર અદાણી પોર્ટ પર 75 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લામાં આવેલ અદાણી પોર્ટ પરથી હેરોઇન ડ્રગ્સનો 75 કિલો જથ્થો સરકારી તંત્ર દ્વારા જપ્ત કરાયો છે. જેની કુલ કિંમત રૂ. 375,50,00,000 (રૂ. 375 કરોડ) થાય છે. જ્યારે 2 આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 31 ડિસેમ્બર 2022 સુધીમાં રાજ્ય સરકારે દરિયાઈ સરહદેથી કુલ 184 કિલો ડ્રગ્સ જપ્ત કર્યુ જેની કુલ કિંમત રૂ. 924,97,00,000 (રૂ.940 કરોડ) જેટલી થાય છે. આ સમગ્ર ઘટનામાં 7 ભારતીય, 32 પાકિસ્તાની અને 1 અફઘાનિસ્તાનના આરોપીની ધરપકડ કરી હતી.
ગાંધીધામમાંથી ઝડપાયું ડ્રગ્સ: હાલમાં જ પશ્ચિમ કચ્છ બાદ હવે પૂર્વ કચ્છ એટલે કે ગાંધીધામમાંથી ફરી એકવાર ગાંધીધામ નજીકથી ડ્રગ્સ ઝડપાયું છે. કરોડો રૂપિયાનો બિનવારસી ડ્રગ્સનો જથ્થો પોલીસે કબ્જે કર્યો છે. પૂર્વ કચ્છ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. 80 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલ ડ્રગ્સના જથ્થાની અંદાજિત કિંમત 800 કરોડ આસપાસ આંકવામાં આવી રહી છે. FSL ની પ્રાથમિક તસવીરમાં આ ડ્રગ્સ કોકેઇન હોવાનું બહાર આવ્યું છે.
સુરતના દરિયા કિનારેથી ડ્રગ્સની એન્ટ્રી: સુરત પોલીસ તારીખ 25 સપ્ટેમ્બર, 2023ના રોજ શહેરના દામકા ગામ પાસેથી એક આરોપીની ધરપકડ કરે છે. આરોપીની પૂછપરછ થાય છે અને તેમાં સામે આવે છે કે આરોપી દરિયાકિનારે માછીમારીનું કામ કરે છે. એક દિવસે માછીમારી કરતી વખતે દરિયામાંથી તેને 13.12 કિલોગ્રામ જેટલો બિનવારસી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જોકે ત્યારબાદ આ માછીમારીને લાલચ જાગી અને પોલીસને જાણ કરવાની જગ્યાએ તે જાતે જ વેચવા લાગ્યો. પોલીસે આ મામલે માહિતી મળતા તેને દબોચ્યો હતો અને સમગ્ર મામલે ખુલાસો થયો હતો. આ ઉપરાંત તારીખ 24 જુલાઈ 2023 ના રોજ સુવાલી બીચ નજીક સુરત પોલીસને 9 કિલોગ્રામ અફઘાની ચરસ જેની કુલ કિંમત 4.50 કરોડ રૂપિયા છે તે બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું.
મિત્રોને બિનવારસી ચરસ મળ્યું: બે મિત્રો સુવાલી બીચ પર ફરવા ગયા હતા. અચાનક ત્યાં તેમને બિનવારસી હાલતમાં લગભગ 4.15 કરોડની કિંમતનું ચરસ મળે છે. જેને તેઓ ડ્રગ્સ પેડલરના માધ્યમથી વેચવા જઈ રહ્યા હતાં અને પોલીસને આ અંગેની જાણકારી મળી હતી. પોલીસે બંને મિત્રો અને ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી આઠ કિલો ચરસ કે જેની કિંમત 4.15 કરોડ જેટલી છે તે જપ્ત કરાયું હતું.
સુરતમાં છૂટક ડ્રગ્સનું વેચાણ: ગત એપ્રિલ મહિનામાં સુરત એસઓજી પોલીસે 50 લાખના MD ડ્રગ્સ સાથે એક મહિલાને ઝડપી પાડી હતી. તે ઉપરાંત જાન્યુઆરીમાં સુરત SOG પોલીસે 50 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે શહેરના શ્યામ મંદિરમાંથી પાસેથી કેતન જાપાની નામના એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી ઘણા સમયથી શહેરમાં ચોરી છુપેથી ડ્રગ્સનું છૂટક વેચાણ કરતો હતો.
અમદાવાદમાં ધૂમ વેચાણ: શહેરમાં પણ ડ્રગ્સનું ધૂમધામ વેચાણ થઇ રહ્યું છે. થોડા સમય પહેલા એટલે કે 21 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એમ.એસ ત્રિવેદીની ટીમને બાતમી મળી હતી. જેના આધારે નારોલ બ્રિજ પાસે આવેલ હોટલ સીમલા ખાતેથી તોફિક ઉર્ફે ટાઈગર ઘાંચી નામના જુહાપુરાના એક યુવક અને તેની સાથે સુહેલ અશરફ મનસુરી નામના ઉદયપુર રાજસ્થાનના યુવકની ધરપકડ કરી છે. આ મામલે આરોપી પાસેથી ક્રાઈમ બ્રાંચે 52 લાખ 18 હજારની કિંમતનું 521.81 ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે કર્યું છે.
15 કિલો એમ.ડી ડ્રગ્સ ઘુસાડવાનો પર્દાફાશ: ગત ઓગસ્ટ મહિનામાં અમદાવાદ શહેરમાં થતી ડ્રગ્સની મોટી ડિલિવરી અંગે એસઓજીએ ઝડપી તપાસ કરતા મોટા ખુલાસા થયા છે. અમદાવાદમના ગીતામંદિર પાસે ખાનગી બસમાં જયપુરથી અમદાવાદ આવેલા ડ્રગ્સ કેરિયરની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી 2 કરોડની કિંમતનું 2 કિલોથી વધુ એમ.ડી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. જે મામલે ઉત્તરપ્રદેશના મુખ્ય સપ્લાયનું નામ સામે આવતા એસઓજીની બે ટીમ આરોપીની ધરપકડ માટે રવાના કરાઈ છે. પકડાયેલો આરોપી એક બે કિલો નહીં પરંતુ અંદાજે 15 કિલો એમ.ડી ડ્રગ્સ ઉત્તરપ્રદેશથી લઈને નિકળ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
214 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું: ડ્રગ્સ ગુજરાત એટીએસ, દિલ્હી એનસીબી અને સુરત ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન પાર પાડી 214 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે એક નાઈજરીયન યુવકની ધરપકડ કરી છે. મહત્વનું છે કે રાજકોટ ગ્રામ્યના વિસ્તારમાંથી 30.66 કિલો હેરોઇનનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. જે જથ્થો દિલ્હીમાં નામ બદલીને રહેતા નાઈઝીરીયન યુવકે મંગાવ્યો હોવાથી એટીએસની ટીમે દિલ્હી એનસીબીની મદદથી નાઈઝીરીયન યુવકની પણ ધરપકડ કરી છે.
સંસ્કારી નગરીમાં ડ્રગ્સ: વડોદરા શહેરમાંથી પણ અનેકવાર ડ્રગ્સ ઝડપાયું છે. માર્ચ મહિનામાં વડોદરા શહેર પોલીસ દ્વારા "ઓપરેશન ક્રેક ડાઉન" ચલાવવામાં આવી રહ્યું હતું. જેમાં શહેરમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમોને ઝડપી પાડવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી હતી. શહેર એસઓજી દ્વારા મુંબઈના ડ્રગ્સ સપ્લાયર અને વડોદરાના એક ઈસમને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી 292 ગ્રામ એમડી ડ્રગ્સ જેની કિંમત 29.20 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
દેવભૂમિ દરિયા કિનારેથી 425 કરોડનું ડ્રગ્સ: દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠેથી 8 માર્ચ 2023ના રોજ ઓખાના દરિયામાં ઓપરેશન દ્વારા ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSએ સંયુક્ત રીતે ઈરાની બોટમાંથી 425 કરોડનું મૂલ્યનું ડ્રગ્સ પકડ્યુ છે. બોટમાં તપાસ કરતા અંદરથી પાંચ વ્યક્તિઓ મળી આવ્યા હતા. ઈન્ડિય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસને આ અંગેના એક ચોક્કસ ઈનપુટ મળ્યા હતા. સમગ્ર ટીમે બોટની તપાસ કરતા અંદરથી 61 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. જોકે, આ ઑપરેશનમાં સમગ્ર બોટની તપાસ કરવામાં આવી હતી. મળી આવેલું આ ડ્રગ્સ 425 કરોડની કિંમતનું ડ્રગ્સ થાય છે.