અમદાવાદઃ સમગ્ર દેશમાં શાસ્ત્રીય સંગીતના મહારથીઓ માટે 'સપ્તક' એક સંગીતના તીર્થસ્થાન સમાન છે. દર વર્ષે અમદાવાદમાં 1 જાન્યુઆરીથી 13મી જાન્યુઆરી સુધી સળંગ 13 દિવસ આ સમારોહ યોજાય છે. જેમાં ભારતના તમામ વિદ્વાન શાસ્ત્રીય સંગીત પંડિતોએ સપ્તકમાં પોતપોતાની કલાને પ્રસ્તુત કરી છે.
સંગીત મહારથીઓઃ આ વર્ષે પણ સપ્તકમાં હરિપ્રસાદ ચોરસિયાજી, સુલતાન પરવીનજી, શાહિદ પરવેઝજી, અજીત ચક્રવર્તીજી, પુરબાયન ચેટર્જી, પંડિત વિશ્વમોહન ભટ્ટજી, વેંકટેશ કુમારજી, સુજાત ખાનજી, માલિની અવસ્થીજી, મોનિકા શાહજી, કાર્તિક શેષાદ્રીજી, ઉમાકાંત ગુંડેચા, રાકેશ ચોરસિયાજી, શુભ મહારાજજી, સાજન મિશ્રાજી, સ્વરણેશ મિશ્રાજી, ઉલ્હાસ કક્ષાલકરજી, રાહુલ શર્માજી અને તમામ સંગીત જગતની હસ્તીઓ આ ફેસ્ટિવલના મંચને શોભાયમાન કરી રહ્યા છે.
મંત્રમુગ્ધ સિતાર પર્ફોર્મન્સઃ સપ્તક સમારોહની ચોથી સાંજે વિશ્વ વિખ્યાત સિતાર મેસ્ટ્રો વિલાયત ખાન સાહેબના શાગીર્દ ડૉ. હરવિંદર શર્માએ સપ્તક ફેસ્ટિવલની ચોથી સાંજે સિતારવાદન દ્વારા રાગ યમન કલ્યાણની પ્રસ્તુતિ કરી હતી. હરવિંદરજીએ રાગ યમનની પ્રસ્તુતિ દરમિયાન આલાપ, જોડ, ઝાલાની પ્રસ્તુતિ દ્વારા તેમની સંગીત નિપૂર્ણતાનો પરિચય કરાવ્યો હતો. તબલા સંગત ઉપર રોહન બોઝજી સાથે તેમની સંગતિ કર્ણ પ્રિય રહી હતી. સપ્તકના તમામ શ્રોતાગણે તેમની પ્રસ્તુતિને આનંદપૂર્વક માણી હતી. પ્રસ્તુતિ બાદ, સપ્તકના ફાઉન્ડર મેમ્બર વિદુષી મંજુ નંદન મહેતાએ હરવિંદર શર્માજીની પ્રસ્તુતિ વિષે પૂછ્યું હતું કે, "મને એ જણાવો કે તમારો રિયાઝ કેટલો છે?" તેઓએ તેમની પ્રસ્તુતિ વિષે તેમની દિલથી પ્રશંસા કરી હતી.
કોણ છે ડૉ. હરવિંદર શર્મા: ડૉ. હરવિંદર શર્માનો જન્મ 29 મે, 1957ના રોજ થયો હતો. તેઓ 5 વર્ષની કુમળી વયથી સિતાર વાદનમાં રસ ધરાવતા હતા. તેમની શરૂઆતની તાલીમ તેમના પિતા મેઘરાજ શર્માજીની દેખરેખ હેઠળ થઈ હતી. તેઓએ તેમની પ્રથમ સિતાર વાદન પ્રસ્તુતિ 9 વર્ષની ઉંમરે કરી હતી. ત્યારબાદ તેમણે વિશ્વવિખ્યાત સિતાર મેસ્ટ્રો વિલાયતખાનજી પાસે તાલીમ લીધી. તેમની સંગીત સાધના અને અથાક પરિશ્રમને લીધે તેમણે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે ખૂબ નામના મળી. તેઓ એક અલાયદું સ્થાન બનાવી શક્યા. હરવિંદર શર્માએ તેમની કારકિર્દી દરમિયાન, "સૂર-મણી", કર્મયોગી, હરિયાણા રાજ્ય પુરસ્કાર, હાઈફા- હાઈએસ્ટ આર્ટ એવોર્ડ ઓફ સ્ટેટ મેળવ્યો છે. 1979માં તેમને કલ્ચરલ એમ્બેસેડર તરીકે યુએસએસઆર પણ મોકલવામાં આવ્યા હતા. તેઓ ટોપ ગ્રેડ રેડિયો આર્ટિસ્ટ હોવાને લીધે દેશના તમામ મહત્વના સંગીત સમારોહમાં તેમજ વૈશ્વિક ફલક ઉપર થતી તમામ શાસ્ત્રીય સંગીતની મહાસભાઓમાં તેમની કલાની પ્રસ્તુતિ કરતા રહ્યા છે.
સંગીત અને સિતારવાદકના સાધક: હાલમાં ડૉ.હરવિંદર શર્મા હરિયાણામાં પંચકુલા ખાતે આવેલી ગવર્નમેન્ટ કૉલેજમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. હરવિંદર શર્મા દ્વારા રાગ રામદાસી મલ્હારમાં પ્રસ્તુત "ધ મેજિક ઑફ મલ્હાર, સિતાર રિસાઈટલ" એ કર્ણપ્રિય અને તેમના સંગીતમાં સિતારના પરદા અને તાર સાથે તેમની ઘનિષ્ટતા અને નિપૂર્ણતાની ખાતરી કરાવે છે. ગુજરાતનાં વિશ્વવિખ્યાત શાસ્ત્રીય સંગીતના સપ્તક સમારોહમાં તેમની પ્રસ્તુતિ બાદ તેમણે ઈટીવી ભારત સાથે પોતાની સંગીત યાત્રા અંગે એકસલુઝિવ વાતચીત કરી હતી. હરવિંદર શર્મા વિશે વધુ જાણવા માટે જૂઓ આ વીડિયો પ્રસ્તુતિ