નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે ચર્ચામાં આવેલી હાથીજણ સ્થિત DPS ઇસ્ટની માન્યતા CBSE દ્વારા રદ કરવામાં આવી છે. DPS ઇસ્ટના સંચાલક હિતેન વસંત, પૂજા મંજુલા શ્રોફ અને પૂર્વ પ્રિન્સિપાલે 2010માં ખોટી NOC રજૂ કરી માન્યતા મેળવી લીધી હતી. વિદ્યાર્થીઓને નવા સત્રથી અન્ય સ્કૂલમાં અભ્યાસ કરાવવામાં આવશે. જો કે, ધોરણ- 9 અને 11ના વિદ્યાર્થીઓને ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયા બાદ અન્ય સ્થાનિક સ્કૂલમાં ખસેડવામાં આવશે.
અમદાવાદના હાથીજન વિસ્તારમાં આવેલા ડીપીએસ સ્કૂલના મેદાનમાં નિત્યાનંદ આશ્રમને લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલુ છે. જેમાં આગાઉ રાજ્યના શિક્ષણ અગ્ર સચિવે ડીપીએસ સ્કૂલ મુદ્દે નિવેદન આપ્યું હતું કે, ડીપીએસ શાળાની સંપૂર્ણ જમીન સ્કૂલ કે ટ્રસ્ટના નામે નથી, પરંતુ એક ખેડૂતના નામે જમીન છે. CBSEએ બહાર પાડેલા ઓર્ડરમાં રાજ્ય સરકારના પત્ર અને તપાસના આધારે દિલ્હી પબ્લિક સ્કૂલની માન્યતા તાત્કાલિક અસરથી રદ કરી છે. જોકે, ધોરણ 10 અને 12મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે તેમને વર્ષ 2020માં યોજાનારી બોર્ડની પરીક્ષા આપવાની પરવાનગી આપવામાં આવી છે.
આ અંગે આગાઉ શિક્ષણ અગ્ર સચિવ વિનોદ રાવે જણાવ્યું હતું કે, કેલોરેક્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી દ્વારા ડીપીએસ મામલે મંજૂરી માગવામાં આવી હતી, પણ 4 ફેબ્રુઆરી, 2012ના રોજ યોગ્ય પુરાવાના અભાવે એનઓસીની અરજી શિક્ષણ વિભાગે અરજી નામંજૂર કરી હતી. જો કે, 2010ની અરજીને આધારે સીબીએસઈ પાસેથી મંજૂરી મેળવી હોવાનું ધ્યાને આવ્યું હતું. વધુમાં રાવે જણાવ્યું હતું કે, ડીપીએસ ઇસ્ટ શાળા જે જમીન પણ બંધાઈ છે તે સંપુર્ણ જમીન આજે પણ સ્કૂલ કે ટ્રસ્ટના નામે નથી, પરંતુ એક ખેડૂતના નામે છે. આ બાબતે ડીઈઓ અમદાવાદ અને તેમની ટીમે જે તપાસ કરી ડોક્યુમેન્ટ ભેગા કર્યા હતા. જ્યારે શાળામાં 24 જેટલા આશ્રમના વિદ્યાર્થીઓને શાળામાં દાખલ કર્યા છે. 18 વિદ્યાર્થીઓ પાસે લિવીંગ સર્ટિફીકેટ નથી.