અમદાવાદ : ગુજરાતમાંથી સૌ પ્રથમવાર દિવ્યાંગ બાળકો દ્વારા ભારતીય સંસ્કૃતિને વિશ્વ ફલક પર મૂકવામાં આવશે. છેલ્લા 15 વર્ષથી રંગસાગર પર્ફોર્મિંગ આર્ટસ દ્વારા ભારતીય સંસ્કૃતિના સંગીત અને નૃત્યો દ્વારા વિદેશની અંદર પ્રચાર કરવાનું કાર્ય કરી રહી છે, ત્યારે વિદેશની ધરતી પર ભારતનો ઝંડો લહેરાવવા આ વખતે દિવ્યાંગ બાળકો થાઇલેન્ડની અંદર ડાન્સ ફેસ્ટિવલમાં ભાગ લેશે. કદાચ ગુજરાતમાંથી પહેલી વાર દિવ્યાંગ બાળકો દ્વારા વિદેશની ધરતી પર ભારતને વિશ્વ ફલક ઉપર રીપ્રેઝન્ટ કરશે એવું બનશે.
બાળકોની બે મહિનાથી પ્રેક્ટિસ : આ સમગ્ર કાર્યક્રમ બાબતે રંગસાગર પર્ફોમિંગ આર્ટસના ડિરેક્ટર નરેશ પટેલે જણાવ્યું હતું કે, આમ તો અમે દર વર્ષે પ્રોફેશનલ ડાન્સ ગ્રુપને તો લઈ જઉ છું. પણ આ વખતે અમે દિવ્યાંગ બાળકોને લઈ જવાના છીએ. અમારી સાથે થાઈલેન્ડમાં પરફોર્મ કરવા માટે કુલ 10 દિવ્યાંગ બાળકો છેલ્લા બે મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છે.
ભારતની સંસ્કૃતિને વિશ્વ સમક્ષ : નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટના ડિરેક્ટર નિલેશ પંચાલે જણાવ્યું હતું કે, આવા બાળકોને આપણે એમની અંદર પડેલી કલાને બહાર લાવવી જોઈએ, આ દિવ્યાંગ બાળકો છે. આ વાતને ધ્યાનમાં લઈને રંગસાગર દ્વારા ગુજરાતમાંથી પહેલીવાર ઇન્ટરનેશનલ ડાન્સ ફેસ્ટિવલમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આ બાળકો સાથે એમના વાલીઓ પણ ફેસ્ટિવલની અંદર પોતાના બાળકનો ઉત્સાહ વધારવા ભાગ લેશે. આ ફેસ્ટિવલમાં 10 દિવ્યાંગ બાળકો દ્વારા દેશનું નામ રોશન કરવામાં આવશે. આ ફેસ્ટિવલની અંદર ગણેશ સ્તુતિ, ગરબા, રાજસ્થાની ડાન્સ કરવામાં આવશે. જેની છેલ્લા 2 મહિનાથી તૈયારી ચાલી રહી છે. જે 25થી 28 જાન્યુઆરી 2023 સુધી ચાલશે. જ્યાં તેઓ આપણી ભારતીય સંસ્કૃતિને વિશ્વ સમક્ષ મૂકશે જે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે.
આ પણ વાંચો : અકસ્માતમાં પગ ગુમાવ્યો હિંમત નહીં, ખેડાની સાદિકા મીરે અત્યાર સુધી 12 ગોલ્ડ મેડલ કર્યા પોતાના નામે
ડાન્સની પ્રેક્ટિસ : ડાન્સની કોરિયોગ્રાફી કરતા પ્રક્ષેપ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ બાળકો સામાન્ય બાળકો કરતાં સ્પેશિયલ હોય છે. આમની સાથે ડાન્સ પ્રેક્ટિસ કરવી એના માટે ખાસ કરીને ડાન્સ થેરીપી જરૂરી છે. અમે આ બાળકો સાથે સતત બે મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા. જેમાં પ્રેક્ટિસ દરમિયાન મ્યુઝિકને તેમના અલગ રીતે એડિટ કરવામાં આવે છે. સાથે જ ખાસ કરીને લિરિક્સ પર પણ ધ્યાન દેવું પડે છે. જેમાં ડિક્સને ખાસ ધ્યાન રાખીને બાળકોને પ્રેક્ટિસ કરવામાં આવતી હોય છે. કારણ કે, ડાન્સ થેરેપીમાં રાઈટ અને લેફ્ટ બંને બ્રેન્ડ એક સાથે વર્ક કરે છે. તેથી શબ્દ અને સોંગના લિરિક્સ પર ધ્યાનમાં રાખીને બાળકો સાથે ડાન્સની પ્રેક્ટિસ કરવામાં આવતી હોય છે.
આ પણ વાંચો : દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કરવા કચ્છમાં યોજાયો દિવ્યાંગ રમતોત્સવ
દિવ્યાંગ બાળકનું શું કહેવું છે : ડાન્સ પ્રેક્ટિસ કરી રહેલા દિવ્યાંગ તુષાર વર્માએ જણાવ્યું હતું કે, હું ખૂબ જ ખુશ છું કે આપણી ભારતીય ઝલક્ને લોકો વિશ્વમાં નિહાળશે અને અમે સતત આ પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. તેનું ફળ પણ અમને મળશે એવી અમને આશા છે. મહત્વનું છે કે, પહેલીવાર કોઈ દિવ્યાંગ બાળકો આવી રીતે ડાન્સ પર્ફોર્મન્સમાં ભાગ લેવા જઈ રહ્યા છે, ત્યારે આ તમામ બાળકોને લોકો બિરદાવી રહ્યા છે. જેનાથી બાળકોને અલગ પ્રકારનું જુનુન મળી રહી છે. ઉપરાંત આ દિવ્યાંગ બાળકોએ સમાજની ખુલી આંખને સ્પષ્ટ સંદેશો ફેંક્યો છે કે, જો તમે મનથી મજબૂત હોય તો કોઈ પણ કાર્ય કરી શકો છો.