અમદાવાદઃ કોરોનાવાયરસ સામે જ્યારે દેશ ઝઝૂમી રહ્યો છે. ત્યારે હેન્ડ ગ્લવ્ઝ અને માસ્કનો ઉપયોગ મેડિકલ સ્ટાફની સાથે સાથે સામાન્ય લોકો પણ સાવચેતીના ભાગ રૂપે કરી રહ્યાં છે. આ માસ્ક અને મોજાં નાગરિકો સામાન્ય કચરાપેટીમાં કે જ્યાં ને ત્યાં નાખી દેતાં હોય છે. બની શકે કે આ મેડિકલ વેસ્ટમાં કોરોના વાયરસના રોગજન્ય વિષાણુ હોઈ શકે અને તેના કારણે આ રોગ વધુ ફેલાઈ શકે. આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીળા કલરની ડસ્ટબિન જાહેર જગ્યાએ મુકવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
શહેરના પોલિસ સ્ટેશન, અર્બન હેલ્થ સેન્ટર, રેલવે સ્ટેશન વગેરે જાહેર જગ્યાઓએ આવી ડસ્ટબિન મુકાશે જેમાં નાગરિકો આ બધી વસ્તુઓ નાખી શકશે અને તેનો યોગ્ય નિકાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે.