અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 15 દિવસથી વરસાદે વિરામ લીધો છે. પરંતુ તેની સામે મચ્છરનો ઉપદ્રવ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો થાય તેવી શક્યતાઓ પૂરેપૂરી જોવા મળી રહે છે. ત્યારે બીજી બાજુ અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય કેસનો આંક 300 પહોંચ્યો છે.
કોલેરાના 18 કેસ નોંધાયા: અમદાવાદમાં ઓગસ્ટ માસ સુધીમાં કોલેરાના 18 કેસ નોંધાયા છે. જેમાં વટવા બોર્ડમાં 6, ઇન્દ્રપુરીવોર્ડમાં 3, ઇસનપુર વોર્ડમાં 3, લાંબા વોર્ડમાં 2, રામોલ હાથીજણ વોર્ડમાં 1, ઇસનપુર વોર્ડમાં 1, અસારવા વોર્ડમાં 1, ઓઢવ વોર્ડમાં 1 આમ કુલ મળીને ચાલુ માસ દરમિયાન કોલેરાના 18 જેટલા કેસ સામે આવ્યા છે.
![અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3333 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-08-2023/gj-ahd-13-amc-helth-photo-story-7210819_17082023154240_1708f_1692267160_931.jpg)
પાણીજન્ય કેસ 800ને પાર: અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુ શરૂઆત થતા જ પાણીજન્ય કેસોમાં પણ ભારે વધારો જોવા મળ્યો હતો. વરસાદે વિરામ લીધા બાદ પાણીજન્ય કેસ સામે આવી રહ્યા છે. જેમાં ઝાડા ઉલટીના 481, કમળાના 76, ટાઇફોઇડના 313 અને કોલેરાના 18 કેસ સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3333 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 72 જેટલા ક્લોરીન ટેસ્ટ નીલ આવ્યા છે. આ ઉપરાંત બેક્ટેરિયાલોજિકલ તપાસ માટે 952 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 17 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે.
મચ્છરજન્ય કેસ આંક 300ને પાર: અમદાવાદ શહેરના મચ્છરજન્ય કેસની સંખ્યા 300ને પાર પહોંચી છે. જેમાં સાદા મેલેરિયાના 70 કેસ, ઝેરી મેલેરીયાના 5, ડેન્ગ્યુના 243 અને ચિકનગુનિયાના 5 કેસ નોંધાયા છે. જ્યારે લોહીના તપાસ માટે 49,916 નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે ડેન્ગ્યુના સીરમના 2312 સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી છે.