અમદાવાદ: કેન્દ્ર સરકાર તરફથી દિલ્હી એઇમ્સ હોસ્પિટલની 3 ડૉક્ટરની ટીમ અમદાવાદ આવી પહોંચી છે. તેમણે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇને પરિસ્થિતિનું નિરક્ષણ કર્યું હતું.
દિલ્હી એઇમ્સની ટીમે અમદાવાદ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત અમદાવાદમાં કોરોના સતત ઘાતક બની રહ્યો છે. ગુજરાતમાં કોરોનાથી સંક્રમિત કેસની સંખ્યા 7000ને પાર થઇ ગઇ છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. આથી રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં લાવવા રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાને દિલ્હી એઇમ્સના ડૉક્ટરની ટીમ અમદાવાદ આવી પહોંચી હતી. જેમાં એઇમ્સ દિલ્હીના ડાયરેક્ટર અને વરિષ્ઠ ડૉક્ટર રણદીપ ગુલેરિયા અને ડૉ.મનીષ સુરેજા ઉપસ્થિત હતા. ઉપરાંત ગુજરાત આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતી રવિ, ડૉ. પ્રભાકર સહિતના સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તમામ ડૉક્ટરો વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી જેમાં સિવિલ હોસ્પિટલ દ્વારા પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું.
આ બેઠક બાદ તમામ ડોકટરની ટીમ 1200 બેડની કોવિડ-19 હોસ્પિટલની મુલાકાતે પહોંચશે ત્યાં તમામ દર્દીઓનુ તથા હોસ્પિટલનું નિરીક્ષણ કરવામાં આવશે.