અમદાવાદ: અમદાવાદ શહેરના એસ.જી હાઇવે પાસે વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી જાણીતી K.D હોસ્પિટલમાં રેન્ડસમવેર એટેકનો બનાવ સામે આવ્યો છે. જેમાં હોસ્પિટલની ફાઈલો દર્દીઓનો ડેટા અને સીસીટીવી સહિતની ચીજ વસ્તુઓ ગાયબ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. સાયબર એટેક કરીને કોમ્પ્યુટરના સર્વરને નિશાન બનાવવામાં આવ્યું અને 70 હજાર ડોલરની માંગણી કરવામાં આવી છે. આ બાબતને લઈને પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
'હોસ્પિટલના સોફ્ટવેર યુઝર કામ કરતા નથી અને સર્વર ડાઉન થઈ રહ્યા છે. જેથી તેઓએ આઈ.ટી ના બીજા સ્ટાફ મેમ્બર હિતેશ પટેલને ફોન કરીને વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે સર્વરનું વી.એમ.વેર કનેક્ટ કરતા બધા જ સોફ્ટવેર બંધ બતાવે છે અને વી.એમ વેર સોફ્ટવેર પણ બંધ આવે છે. જેથી ફરિયાદી કિશોર ગોજીયા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.' -મેહુલ ભાવસાર, હોસ્પિટલના નાઈટ સુપરવાઇઝર
સાયબર અટેક: સોફ્ટવેર ચેક કરતા તેઓને જાણ થઈ હતી કે કોઈ હેકર્સ ગ્રૂપ દ્વારા હોસ્પિટલના સોફ્ટવેર ઉપર રેન્ડસમવેર એટેક કર્યો છે. જે બાદ તેઓએ ઇન્ટરનેટથી બધા જ સરવરનું કનેક્શન બંધ કરી દીધું હતું અને બાકીની વસ્તુઓ જેમાં કઈ કઈ સિસ્ટમને નુકસાન થયું છે અને કોઈ ડેટા રિકવર થઈ શકે છે કે કેમ તે તપાસવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારે તેઓને જાણ થઈ હતી કે એક સર્વર ઉપર હેકર્સની એક્ટિવિટી ફાઈલ ચાલુ હતી અને બધી જ ફાઈલો ઇન્ક્રીપ્ટ થયેલી જોવામાં આવી હતી. જેથી હોસ્પિટલના ખૂબ જ અગત્યના ડેટાને નુકસાન કરવામાં આવ્યું હતું. ફરિયાદીએ હોસ્પિટલના COO ડોક્ટર પાર્થ દેસાઈને આ બાબતે જાણ કરતા તેઓ પણ હોસ્પિટલમાં આવ્યા હતા અને ચર્ચા વિચારણા કરી એનએફએસયુ ગાંધીનગર ખાતે ફોન કરી આ બાબતની જાણ કરી હતી.
'આ અંગે ગુનો દાખલ કરી બોપલ પોલીસ દ્વારા સાયબર સેલની મદદ લઈને સમગ્ર બાબતની તપાસ શરૂ કરવામાં આવી છે.' -એ.પી ચૌધરી, PI, બોપલ પોલીસ સ્ટેશન
બીટકોઈનમાં 70 હજાર ડોલરની માંગ: ગાંધીનગરની ટીમ આવી જતા સરવરની ઇમેજ અને ઇન્ક્રીપ્ટ થયેલી સર્વરની ઈમેજ લેવાનું કામ શરૂ કર્યું હતું અને કોમ્પ્યુટરમાં એક ફોટો આવ્યો હતો. જેમાં લખાણ લખ્યું હતું કે "અમોએ તમારી હોસ્પિટલના તમામ ડેટા ઇન્ક્રીપ્ટ કરી નાખ્યા છે, જો તમારે ડેટા પાછા જોઈતા હોય તો અમારા આઈડી ઉપર સંપર્ક કરો" તેવો મેસેજ જોઈ ફરિયાદીએ હેકર્સનું ઇ-મેલ આઇડી ઉપર કોમ્યુનિકેશન કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં વળતો મેસેજ આવ્યો હતો કે 70 હજાર ડોલર બીટકોઈન કરન્સીમાં આપો.
ડિસ્કાઉન્ટની ઓફર: જેના બીજા દિવસે 16મી મે 2023ના રોજ મોડી રાત્રે ફરીથી હોસ્પિટલના મેઈલ આઇડી ઉપર મેલ આવ્યો હતો, જેમાં "અમે માંગેલી રકમ ઉપર તમને ડિસ્કાઉન્ટ આપવા તૈયાર છીએ" તે પ્રકારનું લખાણ લખવામાં આવ્યું હતું. પરંતુ ફરિયાદીએ કોઈ રીપ્લાય ન આપતા અને હોસ્પિટલમાં તમામ પેશન્ટ ડેટા સાચવીને રાખવાના હોય જે કાયદાકીય રીતે ખૂબ જ ગંભીર બાબતો હોય, જેથી સાયબર સેફ હેલ્પલાઇન પર ફોન કરતા તેઓએ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ આપવાનું કહ્યું હતું અને જે બાદ આ બાબતને લઈને બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.