અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચે વસ્ત્રાપુર વિસ્તારમાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે યુવકોની ધરપકડ કરી છે. આરોપીઓ દ્વારા ફ્લેટ ભાડે રાખી પોતાના મોબાઈલ થકી ક્રિકેટ સટ્ટો રમાડતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. બંને યુવકોને આ સટ્ટા માટેની આઈડી આપનારનું પણ નામ ખુલ્યું હતું. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, જયદીપ ધાધલ તેમજ કર્મરાજસિંહ જાડેજા નામના બે વ્યક્તિ A-101 ગોયલ પેલેસ, દસમાં માળે વસ્ત્રાપુર ખાતે મકાન ભાડેથી રાખી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડે છે. હાલમાં ટ્રેન્ટ અને બર્મિંગમ વચ્ચે ટી-ટ્વેન્ટી મેચ રમાય છે. તેમાં અલગ અલગ સાઈડ મારફતે ક્રિકેટ સટ્ટો રમાડી રહ્યા છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે આ મામલે દરોડા પાડતા મકાનમાં પ્રવેશ્યા હતા. બંને યુવકો બેડ ઉપર બેસીને પોતાની પાસેના મોબાઇલમાં તેમજ ટીવીમાં મેચ જોઈને સટ્ટો રમાડતા હોવાનું પોલીસને નજરે પડ્યું હતું. આ મામલે તપાસ કરતા રાજકોટના જયદીપભાઇ હસુભાઈ ધાધલ દ્વારા આ ફ્લેટ રોહિત અગ્રવાલ નામના વ્યક્તિ પાસેથી ભાડે રાખ્યો હોવાનું સામે આવ્યું હતું.
અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી: આ સમગ્ર મામલે આરોપીઓ પાસેથી 3 મોબાઇલ ફોન અને રોકડ રકમ 57 હજાર, ફોર્ચ્યુનર કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. બે મહિના પહેલા જીગર ઠક્કર નામના વ્યક્તિ પાસેથી ક્રિકેટ સટ્ટો રમવા માટે એક લાખ રૂપિયા આંગડિયા પેઢી મારફતે મોકલીને આઈડી ખરીદી હતી. જેમાં તેઓને 50 લાખની ક્રેડિટ આપવામાં આવી હતી. તેના આધારે તેઓ ક્રિકેટ સટ્ટો રમાડતા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે 32,57,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ગુનામાં સામે સામેલ અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.