અમદાવાદ : પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે ઝાકીર હુસેન ઉર્ફે ઝીંગો શેખ નામનો યુવક વટવા ખાતે પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનો જથ્થો રાખીને છૂટક વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે જરૂરી કાર્યવાહી કરીને વટવામાં બાગે શાહે આલમ સોસાયટીમાં મકાનમાં દરોડા પાડીને જાકીર હુસેન શેખ નામના યુવકને ઝડપી પાડ્યો હતો.
22 લાખનો એમડી ડ્રગ્સ પકડાયો : તેના પાસેથી રોકડ રકમ 12,900 મળી આવી હતી. ઘરમાં તપાસ કરતા ફ્રીજ પાસે રસોડામાં એક થેલી રાખી હોય જેમાં એક ઈલેક્ટ્રીક વજન કાંટો અને જીપર બેગ મળી આવી હતી અને પીળા કલરનો પાવડર જેવો માદક પદાર્થ મળી આવ્યો હતો.
ડ્રગ્સ અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી : આ બાબતે પૂછપરછ કરતા તે એમ.ડી ડ્રગ્સ હોવાની હકીકત સામે આવી હતી. આ મામલે પોલીસે તપાસ કરતા કુલ 229. 700 મિલિગ્રામ જેટલો એમ.ડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેની અંદાજીત કિંમત 22 લાખ 97 હજાર થાય છે. આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો તે અંગે પૂછપરછ કરતા અમન પઠાણ નામના પ્રતાપગઢના વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હતો અને દરિયાપુરના લાલા નામના શખ્સને ડ્રગ વેચાણ માટે આપવાનો હતો તે પ્રકારની હકીકત સામે આવી હતી. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે NDPS ની કલમો હેઠળ ગુનો દાખલ કરી પોલીસે આરોપીની વધુ તપાસ શરૂ કરી છે.