અમદાવાદના નરોડા વિસ્તારમાં છ દિવસમાં પૈસા ડબલ કરી આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરવાના કેસમાં આરોપી પિયુષ જગદીશભાઇ ચૌધરીની જામીન અરજી મુદ્દે સ્પેશિયલ કોર્ટ 16 મેના રોજ ચુકાદો આપે તેવી શક્યતાઓ છે. આ કેસની વિગત એવી છે કે, નરોડા સહિતના અમદાવાદ પૂર્વના વિસ્તારમાં રોયલ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા છ દિવસમાં પૈસા ડબલ કરી આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડીના કેસમાં નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
50થી વધુ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઇ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. કેસના સહઆરોપી પિયુષ ચૌધરીએ જી.પી.આઇ.ડી. કોર્ટમાં જામીન અરજી દ્વારા રજૂઆત કરી હતી કે, તે આ કંપનીનો પગારદાર કર્મચારી હતો. તેણે કોઇ પાસેથી પૈસા નથી લીધા અને કોઇ પહોંચ પર સહી પણ કરી નથી, તેથી તેને જામીન મળવા જોઇએ. કોર્ટે આ અંગે પોલીસને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. ત્યારે આવતીકાલે આ અંગે કૉર્ટમાં સુનાવણી હાથ ધરાશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે.