અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં એક ખૂબ જ ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિર્જર દેસાઈની કોર્ટમાં ચાલુ કેસની સુનાવણી દરમિયાન એક દંપતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ચાલુ કેસની સુનાવણી દરમિયાન જસ્ટીસની સામે જ પતિ-પત્ની સહિત અન્ય બે લોકોએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
સુનાવણી અટકાવી દેવાઈ: જોકે કોર્ટમાં પ્રયાસ થતા જસ્ટિસ નિર્જર દેસાઈ તરત જ કોર્ટ છોડી ગયા હતા અને કેસની સુનાવણી પણ અટકાવી દેવામાં આવી હતી. પોલીસે તપાસ દરમિયાન તમામ ચીજો પણ જપ્ત કરેલી છે. જેમાં ફિનાઈલની બોટલ ઢાંકણું દંપતીઓના ચપ્પલ તેમજ અન્ય વસ્તુઓ પણ મળી આવી છે. જોકે અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે સઘન સિક્યુરિટી અને ચેકિંગ છતાં પણ ફિનાઈલ લઈને કોર્ટરૂમમાં દંપતિ કેવી રીતના પહોંચ્યા? તેની તપાસ હાલ પણ ચાલુ છે.
આરોપીના જામીન મંજૂર થતાં આત્મહત્યાનો પ્રયાસ: આત્મહત્યાનો પ્રયાસ કરનારા લોકોએ બેંકમાંથી લોન લીધી હતી પરંતુ લોનની રકમ તેમની પાસે ન આવતાં વચેટિયાઓ ઉસેટી ગયા હતા. જેની આનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે આગોતરા જામીન અરજી હાઇકોર્ટમાં આજે ચાલી રહી હતી. જેમાં આરોપીઓના જામીન મંજૂર થતાં દંપતી સહિત ચાર આરોપીઓએ લાગી આવતાં ત્યાં જ ફિનાઈલ પી લઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેમને તાત્કાલિક અટકાવી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ આ બાબતે વધુ તપાસ કરી રહી છે.
ફીનાઇલ પી જનારના નામ:
- હાર્દિકભાઇ અમરતભાઇ પટેલ. (ઉ.વ. ૩૪ રહે. ૧,ઉમીયાનગર ઘાટલોડીયા અમદાવાદ શહેર)
- મનોજભાઇ નાથુભાઇ વૈષ્ણવ (ઉં.વ.૪૧ રહે. ૪૪૩/૨૬૩૪, શુભલક્ષ્મીનગર સોસા, જનતાનગર ચાંદખેડા અમદાવાદ શહેર)
- શૈલેષભાઇ ઇશ્વરભાઇ પંચાલ (ઉ.વ.૫૨ રહે, સી/૫૦૪, કેશવ પ્રીય હોમ્સ નિકોલ અમદાવાદ શહેર)
- જયશ્રીબેન શૈલેષભાઇ પંચાલ( ઉં.વ.૫૦ રહે. સી/૫૦૪, કેશવ પ્રીય હોમ્સ નિકોલ અમદાવાદ શહેર)
આપઘાતનો પ્રયાસ કરનાર દંપતી સુરક્ષિત: ફિનાઈલ પી લેતા અફરાતફરીનો માહોલ બની ગયો હતો. દંપતિને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલમાં લઈ જવાયા છે. પોલીસ પંચનામા સહિતની કામગીરી કરી રહી છે. કોર્ટમાં પોલીસે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ લઈ જવાયા હતા. કોર્ટમાં આરોપીઓના જામીન મંજૂર થતા દંપતી સહિત ચારેય ફરિયાદીઓએ ફિનાઈલ ગટગટાવી લીધું હતું.