- કોરોના વોરિયર્સ માટે રસીકરણનો કાર્યક્રમ
- મહામારીમાં સ્વચ્છતા માટે સફાઇ કામદારોની શ્રેષ્ઠ કામગીરી
- સ્વચ્છ રાખતા કર્મચારીઓનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું
અમદાવાદ: પશ્ચિમ વિસ્તારમાં આવેલી છારોડીની મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં વર્ગ ચારના કર્મચારીઓ સફાઇ કામદારો જેણે સતત કોરોના વોરિયર્સ તરીકે કાર્ય કર્યું છે. એમને રસી આપવામાં આવી હતી. કોરોનામાં સતત સફાઇ કામ કરીને વિસ્તારોને સ્વચ્છ રાખતા કર્મચારીઓનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.
ફૂલહારથી સફાઇ કામદારોનું સન્માન
કોરોનાની મહામારી વખતે સફાઇ કામદાર, પોલીસ કર્મચારીઓ, ડોકટર્સ, નર્સ જેવી અનેક મહત્વની કામગીરી બજાવનારા વોરિયર્સને પહેલા રસી આપવાનું નક્કી થયું હતું. જેના ભાગરૂપે મોટી સંખ્યામાં લોકોને રસી આપવાનું શરૂ થઇ ગયું છે. અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલા છારોડી સબ માસ્ટર સાથે સંકળાયેલા વર્ગ 4 ના કર્મચારીઓ સફાઇ કામદારોને કોરોનાની રસી આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના કાળમાં નિયમિત સફાઇ, સ્વચ્છતાનું ધ્યાન રાખનારા તમામ વોરિયર્સનું હારતોરા પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.
હજુ પણ કોરોનાથી તકેદારી રાખવાની જરૂર
છારોડી સબ માસ્ટરના સેનેટરી ઇન્સ્પેકટર શેનાભાઇએ કહ્યુ હતું કે, છેલ્લા બે દિવસથી ચાલતા રસીકરણના કાર્યક્રમમાં મહિલા અને પુરુષ તમામ કર્મચારીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. કોરોનાની રસી આપવાના કાર્યક્રમમાં આસી. એસ્ટેટ ઓફિસર હિતેન્દ્ર ચૌહાણ પણ હાજર રહ્યા હતા. ગોતા ઓગણજ અર્બન હેલ્થ સેન્ટર સાથે સંકળાયેલા કર્મચારીઓએ રસી આપી હતી. હજુ પણ કોરોનાથી તકેદારી રાખવાની જરૂર છે. કોરોના વાઈરસ હજુ દુનિયામાંથી ગયો નથી. સૌએ રસી લેવી જોઈએ. સામાજિક મેળાવડા, ટોળાંમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન થાય તેની તકેદારી રાખવાની જરૂર છે.