અમદાવાદ : રાજ્યમાં ભેજવાળા વાતાવરણને કારણે આંખને લગતી બીમારી વધુ જોવા મળી રહી છે. અનેક શહેરોમાં આંખ આવવાના કેસ સામે આવી રહ્યા છે. મુખ્યત્વે જે શહેરોમાં ભેજવાળા વાતાવરણ અને ગીચતા જોવા મળી રહી છે. તેવા સ્થળે આવા પ્રકારના કેસ સૌથી વધુ જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં દિવસે આંખ આવવાના કેસમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલ સાથે મળીને અંદાજે 45000 જેટલા કેસ જોવા મળી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મફતમાં આંખના ટીપાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આંખના ટીપાનું વિતરણ : આ અંગે હેલ્થ કમિટી ચેરમેન ભરત પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં આંખ આવવાના કેસમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ અમદાવાદ શહેરમાં એક CSC કેન્દ્રમાં 60 થી 70 કેસ જોવા મળતા હતા. તેની જગ્યાએ હાલમાં 150 જેટલા કેસ સામે આવી રહ્યા છે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આંખના ટીપાનું મફતમાં વિતરણ કરવામાં આવી રહ્યું હતું. આ પહેલા 10 હજાર જેટલા ડોઝ મંગાવવામાં આવ્યા હતા. તે ખતમ થઈ જતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ 50 હજાર જેટલા ડોઝ મંગાવ્યા છે. જે આવતીકાલ સુધીમાં તમામ CHC અને PHC કેન્દ્રો પર ઉપલબ્ધ હશે.
અમદાવાદ શહેરમાં આંખ આવવાના કેસ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. આ બિમારીનો છીંક અને ખાંસી દ્વારા ચેપ લાગી શકે છે. આ ઉપરાંત ચેપગ્રસ્ત લોકોના સીધા સંપર્કમાં આવવાથી આંખ આવવાનું મુખ્ય કારણ બની શકે છે. તેના લક્ષણોની વાત કરવામાં આવે તો આંખો લાલ થવી, આંખમાં ખંજવાળ આવી, આંખમાંથી સતત પાણી પડવું, આંખમાં દુખાવો થવો અને આંખના પોપચા ચોંટી જવા જેવા તેનાં લક્ષણો છે. -- ભરત પટેલ (હેલ્થ કમિટી ચેરમેન, મનપા)
એક સપ્તાહમાં 35 હજાર કેસ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તેમજ પ્રાઇવેટ હોસ્પિટલના આંકડા સરખાવવામાં આવે તો સાચા આંકડા સામે આવી શકે છે. એક સપ્તાહમાં જ અમદાવાદ શહેરમાં આંખ આવવાના કેસોમાં ખૂબ જ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. એક સપ્તાહમાં અમદાવાદ શહેરમાં 35,000થી પણ વધુ કેસ સામે આવ્યા છે. જો પ્રાઇવેટ હોસ્પિટલના આંકડા સાથે સરખાવવામાં આવે તો એક મહિનામાં 45,000 થી પણ વધારે કેસ અમદાવાદ શહેરમાં જ નોંધાયા છે.
1. આંખ આવે તો શું કરવું ?
- સંક્રમિત વ્યક્તિએ ચશ્મા પહેરવા
- સંક્રમિત વ્યક્તિએ રૂમાલ અલગ રાખવો
- સંક્રમિત વ્યક્તિએ વારંવાર હાથ ધોવા
- તબીબની સલાહ મુજબ સારવાર કરવી
2. આંખ આવે તો શું ના કરવું ?
- વારંવાર આંખને સ્પર્શ કરવો નહીં
- ચેપી વ્યક્તિની વસ્તુઓથી દૂર રહેવું.
- જાતે કોઈ પણ દવાના ટીપાં આંખમાં નાખવા નહી
- વારંવાર આંખો ચોળવી નહી.