અમદાવાદઃ કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર રાવતે જણાવ્યું કે, ગુજરાત રાજ્ય સરકારને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં વોર્ડના સીમાંકન મનસ્વી પણે કરવા સામે 2015 અને આગામી 2020ની ચૂંટણીઓમાં સત્તાવાર વાંધા સૂચનો આપ્યા હતા. તેમ છતાં સરકાર અને રાજ્ય ચૂંટણી પંચે તેને ફગાવી દીધા. જેમાં સરકાર ચૂંટણી જીતવાના સત્તાના ઉપયોગ કરી મનસ્વી નિર્ણયો લે છે. તેની સામે 2015માં પણ બંધારણનો ભંગ થાય છે, તેવી રજૂઆતના સંદર્ભમાં સ્પેશ્યલ લિવ પિટિશન દાખલ કરવામાં આવેલો હતો જેનો ચુકાદો આજ દિન સુધી પેન્ડિગ છે.
2015ની જેમ જ 2020ની મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં એજ પ્રક્રિયાનો આરંભ કરતાં અમોએ ફરીથી વારંવાર અમારી 2015ની પિટિશનની તાત્કાલિક સુનાવણી કરવા અમોએ આ વર્ષે ડિસેમ્બર 2019માં અને મહાનગરપાલિકાના આખરી વોર્ડની સંખ્યા, ઉમેદવારની સંખ્યા, અનામત બેઠકોની ફાળવણી બાબતનું ફાઇનલ નોટિફિકેશન 8 ઓગસ્ટ 2020 જાહેર કર્યું. તુર્તજ અમોએ નામદાર સુપ્રીમ કોર્ટમાં બીજા દિવસે 9મી ઓગષ્ટે સરકારના આ નિર્ણય સામે સ્ટે માંગી અમારી પિટિશનની તાત્કાલિક સુનાવણીની માગણી કરતી અરજ કરી છે. પરંતુ એની નામદાર કોર્ટ દ્વારા આ બાબતે આજ દિન સુધી સુનાવણી થઈ નથી.
સુપ્રીમ કોર્ટમાં દાદ માગી કે, ગુજરાતમાં પણ અન્ય રાજ્યોની જેમ એક વોર્ડ એક બેઠક પ્રમાણે ચૂંટણી થવી જરૂરી છે. આ અંગેની મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે કોંગ્રેસ પ્રવક્તાએ એક વોર્ડ એક બેઠક પ્રમાણે ચૂંટણી યોજવા અંગે વર્ષ 2015માં પણ સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી હતી. જેનો કેસ હાલમાં પણ પેન્ડિંગ છે.
સુપ્રીમ કોર્ટમાં આજરોજ નરેન્દ્ર રાવતની રીટ પિટિશનની ઓનલાઈન સુનાવણી ચીફ જસ્ટિસની કોર્ટમાં થઈ હતી, જેમાં કપિલ સીબલે કેસની બંધારણીય ગંભીરતા બાબતે રજૂઆત કરી જેમાં સુપ્રીમ કોર્ટે કેસની ગંભીરતાને જોતાં અને જૂની વર્ષ 2015 ની પિટિશન પણ સાડા ચાર વર્ષથી પેન્ડિગ છે. તે જોતાં નામદાર ચીફ જસ્ટિસે એતિહાસિક ઓર્ડર કર્યો કે બન્ને પિટિશનને સાથે ચલાવવામાં આવશે અને તાત્કાલિક સુનાવણીની તારીખ જાહેર કરી ટૂંક જ સમયમાં ચુકાદો જાહેર કરશે. કોંગ્રેસ પ્રવક્તાએ સુપ્રીમ કોર્ટ દ્વારા અમારી બન્ને પિટિશનની બંધારણીય અધિકારોની માંગણીઓ ગંભીરતા ધ્યાનમાં લઈ ચૂંટણી પહેલા એનો ચુકાદો આપવાનો નિર્ણયને આવકાર્યો છે.