અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કૉંગ્રેસને(Congress Opposition Leader resigns) એક પછી એક ઝટકા મળી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી 2022 પહેલા કૉંગ્રેસમાં ધોવાણની સિઝન શરૂ થઈ ગઈ છે. કૉંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહના(Jayrajsinh Parmar) કૉંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે AMCના પૂર્વ વિપક્ષ નેતા(Former Leader of the Opposition of AMC) દિનેશ શર્મા (Dinesh Sharma)એ પણ રાજીનામું આપ્યુ છે. તેમણે રાજીનામા અંગેનો પત્ર કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને મોકલ્યો હતો.
દિનેશ શર્માની હકાલપટ્ટી
કૉંગ્રસ પક્ષમાંથી રાજીનામું આપનાર દિનેશ શર્મા સામે કાર્યવાહી કરવામાં આવી છે. કૉંગ્રેસે દિનેશ શર્માને બરતરફ કરવામાં આવ્યા છે. રાજીનામાં બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કાર્યવાહી કરી છે. રઘુ શર્મા વિરુદ્ધ મીડિયા સમક્ષ નિવેદન આપવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
કૉંગ્રેસમાં વધુ એક ભંગાણ
ગુજરાત કૉંગ્રેસ(Gujarat Congress) તૂટી રહી છે તે બાબત સ્પષ્ટ થઈ ગઈ છે. એક પછી એક નારાજ કોંગી નેતાઓ પક્ષ સાથે છેડો ફાડી રહ્યાં છે. આ લિસ્ટમાં વધુ એક દિગ્ગજ નેતાનું નામ સામે આવ્યુ છે. હવે અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ નેતા વિપક્ષ દિનેશ શર્માએ કૉંગ્રેસમાંથી (Gujarat Pradesh Congress)રાજીનામું આપ્યું છે. વિધાનસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસમાં વધુ એક ભંગાણ થયું છે. જયરાજસિંહ પરમાર બાદ હવે વધુ એક નેતાનું રાજીનામું પડ્યું છે. આ ઉપરાંત અન્ય કોર્પોરેટર પણ કૉંગ્રેસ સાથે છેડો ફાડીને રાજીનામું આપશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
કૉંગ્રેસમાં નારાજગીના સૂર
કૉંગ્રેસમાં નારાજગીના સૂર ઉઠ્યા છે. પોતાને પ્રાધાન્ય મળતું ન હોવાની ફરિયાદ સાથે નારાજ નેતાઓ પક્ષ સાથે છેડો ફાડી રહ્યાં છે. જેમાં જયરાજસિંહ પરમારના રાજીનામા બાદ અનેક નેતાઓની નારાજગી સામે આવી છે. લકાયક અને આક્રમક મિજાજ ધરાવતા નેતાઓ પણ કૉંગ્રેસ છોડવાની ફિરાકમાં છે. આ લિસ્ટમાં દિનેશ શર્માનું નામ જોડાયું છે. દિનેશ શર્મા અગાઉ વારંવાર પક્ષ સામે નારાજગી દર્શાવી ચૂક્યાં છે.
પત્ર લખી આપ્યું રાજીનામું
ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામું આપતા તેમણે પત્રમાં લખ્યું કે હું કૉંગ્રેસના તમામ સભ્યપદ પરથી રાજીનામું આપું છું અને કૉંગ્રેસ પક્ષની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થઈ રહ્યો છું. હું છેલ્લા ઘણા સમયથી કૉંગ્રેસ પક્ષની કાર્યપ્રણાલીથી અને નિર્ણાયક શક્તિના અભાવે થઈ રહેલા રાજકીય નુકસાનને હવે સ્વમાનના ભોગે સહન કરી શકુ તેમ નથી. હું અનેકવાર પક્ષને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા અને પક્ષના સંગઠનને મજબૂત કરવા ત્વરિત નિર્ણય શક્તિ બતાવવા માટે પક્ષને અનેક સૂચનો કરતો આવ્યો છું. છતાં પરિણામ શૂન્ય રહેતાં આજે છેલ્લા વિકલ્પ તરીકે કૉંગ્રેસ પક્ષને અલવિદા કહેવું જ યોગ્ય માનીને નવી દિશા અને માર્ગ તરફ આગળ વધી રહ્યો છું.
રઘુ શર્મા પર લગાવ્યા ગંભીર આરોપો
રાજીનામું આપ્યા બાદ તેમણે જણાવ્યું કે ગુજરાતના પ્રભારી રઘુ શર્માને ગુજરાતનો પ્રભાર આપ્યો છે તે કૉંગ્રેસનું શાસન આવે તેના માટે આપ્યો છે કે વેપાર કરવા આપ્યો છે. રઘુ શર્મા અમદાવાદ શહેરના લીડર તરીકે મને મળવાનો સમય આપતા નથી. મારું અપમાન છે કે નહીં તે રાહુલજી નક્કી કરે. ગુજરાત કૉંગ્રેસમાં જિલ્લે જિલ્લે એજન્સી પ્રથા શરૂ કરી છે. કૉંગ્રેસ વાડાઓમાં વેચાઈ ગઈ છે. રાહુલજીને પણ મળવાનો મેં અનેકવાર પ્રયાસ કર્યો. જો તેમને મળ્યો હોત તો તેમના નવ રત્ન ગુજરાતમાં સારું કામ કરે છે તેવુ ખોટું કહેવું પડ્યું હોત. તમારી પાસે હોદ્દો નથી તો તમે કયા કામમાં વ્યસ્ત છો તો તમે અમને મળતા નથી. વડાપ્રધાનને 24 કલાકમાં મળી શકાય છે તો રાહુલ ગાંધીને કેમ નહીં.
આ પણ વાંચોઃ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓ, ધારાસભ્યોનું અત્યારે કોઈ સરનામું નથી: સી.જે.ચાવડા કોંગ્રેસ ધારાસભ્ય
દિનેશ શર્મા પાર્ટીથી ભયંકર નારાજ
અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ નેતા વિપક્ષ દિનેશ શર્મા કૉંગ્રેસ પાર્ટીથી નારાજ હતાં અને તેમણે રાહુલ ગાંધીને મળીને પક્ષમાં ચાલતી ખોટી જોહુકમી અંગે રજૂઆત કરવાનો નિર્ણય કર્યો હતો. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે દિનેશ શર્મા સુરતમાં ખાનગી રીતે સીઆર પાટીલને મળ્યા હતાં અને તેઓ ગમે ત્યારે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે તેવી વાત વહેતી થઈ હતી. આખરે દિનેશ શર્માએ પોતાના પક્ષ સામે શીંગડાં ભરાવ્યાં છે. દિનેશ શર્માએ ટ્વીટ કરીને પ્રિયંકા ગાંધીને રજૂઆત કરી હતી. ઉર્દૂ શાયરી લખીને શર્માએ નારાજગી વ્યક્ત કરી હતી.
શાયરીમાં શું લખ્યું
મુજસે ના હો સકેગા હાકીમ કા અહેતરામ. મેરી જુબાં કે વાસ્તે તાલે ખરીદ લો. એટલે કે ગુજરાત કૉંગ્રેસના મોટા નેતાઓ ખોટા નિર્ણયો લેવાનું ચાલુ રાખશે તો મારું મોં બંધ નહીં રહે. તમે તાળાં ખરીદી લો. જેનાથી એક બાબત સ્પષ્ટ થાય છે કે કૉંગ્રેસ ફરીથી તૂટી રહી છે. કદાચ ચૂંટણી પહેલાં જ કૉંગ્રેસનો કાફલો વિખેરાઈ જાય તો નવાઈ નહીં. કેમ કે રોજે રોજ કૉંગ્રેસના નેતાઓ ડૂબતી પાર્ટીનો સાથ છોડી રહ્યાં છે અને ભાજપમાં જોડાઈ રહ્યાં છે.
રાજીનામાના પત્ર સામે અનેક પ્રશ્નો ઉપસ્થિત
AMC પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમનો કોંગ્રેસમાંથી રાજીનામું આપતો પત્ર સામે આવ્યો છે. પરંતુ રાજીનામાના પત્રની કાયદેસરતા સામે પ્રશ્નો ઉઠ્યા છે. રાજીનામાં માટે AMC વિપક્ષી નેતાના લેટરપેડનો ઉપયોગ કરાયો છે. હાલ દિનેશ શર્મા કોર્પોરેટર પણ ન હોવાથી તેઓ આ પત્રનો ઉપયોગ કેવી રીતે કરી શકે. તેમણે રાજીનામું આપવા માટે કોર્પોરેશનના લેટરપેડનો ગેરકાયદે ઉપયોગ કર્યો છે. રાજીનામાના પત્રમાં વર્ષનો પણ ઉલ્લેખ ખોટો કરાયો છે.