અમદાવાદ: વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ ગુજરાતના પ્રભારી તરીકે રધુ શર્માએ રાજીનામું આપ્યું હતુ. થોડા મહિના અગાઉ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની નિમણૂક થયા બાદ ગુજરાતનાં કોંગ્રેસની ખાલી પડેલી પ્રભારીની જગ્યા પર સાંસદ મુકુલ વાસનિકની નિમણૂક કરવામાં આવી આવી છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી મુકુલ વાસનિક આજે ગુજરાતના પ્રવાસે છે. તેમના કાર્યકમની તડામાર તૈયારી કોગ્રેસે શરૂ કરી દીધી છે.
ભૂતકાળના પરિણામો બદલાશે: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી મુકુલ વાસનિક રેલી સ્વરૂપે સાબરમતી આશ્રમથી રાજીવ ગાંધી ભવન પહોંચ્યા હતા. દરમ્યાન કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકમાં હાજરી આપી હતી. જ્યાં પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે કોંગ્રેસ હવે 2024ની લોકસભાની ચુંટણીમાં મજબૂતાઈથી લડશે અને ભૂતકાળના પરિણામો ભવિષ્યમાં બદલાઈ પણ શકે છે. જે માટે કોંગ્રેસ હવે તૈયાર છે. સાથે તેમણે ઉમેર્યું હતું કે દરેક ચૂંટણીમાં દિશા બદલાતી હોય છે અને ગઈ કાલે શું થયું એ વિચારીને પરેશાન થવાની જરૂર નથી. કોંગ્રેસ પૂરા જોશ સાથે આવનારી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવશે અને પરિણામો સારા જ આવશે.
બાઈક રેલીનું આયોજન: ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી મુકુલ વાસનિકના સ્વાગત માટે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓ અને એનએસયુઆઈ તેમજ કોંગ્રેસના સમર્થકો દ્વારા એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી બાઈક રેલી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો આ બાઈક રેલીમાં જોડાયા હતા. એરપોર્ટથી ગાંધી આશ્રમ જવાના રસ્તા પર ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી મુકુલ વાસનિકના સ્વાગત માટે બેનર, પોસ્ટરો તેમજ કોંગ્રેસના ઝંડા લગાવવામાં આવ્યા હતા.સાબરમતી આશ્રમ ખાતે પહોંચી પૂજ્ય મહાત્મા ગાંધીજી પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી.