અમદાવાદ: લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ હવે એક્ટિવ થઇ છે. કોંગ્રેસે આજે સંગઠનના માળખામાં ફેરફાર કર્યો છે. ગુજરાત કોંગ્રેસના 10 જિલ્લાના પ્રમુખોની વરણી કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયાની નિમણૂક
રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે લલિત વસોયાની નિમણૂક કરવામાં આવી છે. લલિત વસોયા રાજકોટ જિલ્લાના ધોરાજી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટાઈને એક વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ ગત લોકસભાની ચૂંટણીમાં પોરબંદર બેઠક પરથી ચૂંટણી લડતા હતા અને હાર્યા હતા. ત્યારબાદ રાજ્યમાં આવેલ વિધાનસભાની ગત ચટણીમાં તેઓ ધોરાજી બેઠક પરથી હાર્યા છે. હાલ તેઓ રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં એક્ટિવ છે. તેમજ પાટીદાર અનામત આંદોલન દરમિયાન તેઓ હાર્દિક પટેલ સાથે રહ્યા હતા અને ત્યારથી જ કોંગ્રેસમાં તેઓએ પ્રવેશ કર્યો હતો અને ધોરાજી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.
ખેડા જીલ્લા કોંગ્રેસ પ્રમુખપદે ચંદ્રશેખર સિંહ ડાભીની નિમણુંક
ખેડા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ચંદ્રશેખર સિંહ અજીતસિંહ ડાભીની નિમણુંક કરવામાં આવી છે. જેઓ હાલ છેલ્લા છ માસથી ખેડા જીલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. નિમણુંકને પગલે સમર્થકો અને કાર્યકરો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ચંદ્રશેખર સિંહ ડાભી જીલ્લાના અગ્રણી કોંગ્રેસી પરિવારમાંથી આવે છે. તેમના દાદા અને પિતા પણ જીલ્લા કોંગ્રેસમાં વિવિધ ભૂમિકાઓ નિભાવી ચુક્યા છે. તેમજ સાંસદ પણ રહી ચુક્યા છે.ચંદ્રશેખર સિંહ છેલ્લા 29 વર્ષથી કોંગ્રેસ કાર્યકર તરીકે પક્ષની સેવા કરી રહ્યા છે. ખેડા જિલ્લા યુવા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે 14 વર્ષ ફરજ બજાવી છે.તેમજ મહેમદાવાદ તાલુકા પંચાયતના સભ્ય તરીકે સતત ત્રણ ટર્મ રુદણ બેઠક પરથી ચૂંટાયા છે. મહેમદાવાદ તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા તરીકે કામગીરી બજાવી હતી. તેમજ મહેમદાવાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે છ વર્ષ સેવા આપી ચુક્યા છે. હાલ છેલ્લા છ મહિનાથી તેઓ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.
અમદાવાદ શહેર પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલની નિમણૂક
હિંમતસિંહ પટેલનો કોંગ્રેસ સાથે તેમનો જૂનો સંબંધ રહ્યો છે. 62 વર્ષીય હિંમતસિંહ બાપુનગર વિધાનસભા બેઠક પરથી 2014 - 2017 ચુંટણી લડ્યા હતા. તેઓ ન2017માં બાપુનગર વિધાનસભા બેઠક પર વિજેતા થઇ ઘારાસભ્ય બન્યા હતા, હિંમતસિંહ પટેલે અમદાવાદ શહેરમાં મેયર પણ રહ્યાં છે. વિધાનસભા ચૂંટણી 2022 માટે કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે અમદાવાદ પૂર્વ સીટ પર હિંમતસિંહ પટેલને લડાવ્યા પણ હારી ગયા હતા. કોરોના સમયે ગરીબો માટે રસોડું કરી અનેક પરપ્રાંતિયોને સ્થળાંતર કરતા રોક્યા હતા. હાલ સંપન્ન થયેલ વિધાનસભા ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો. હિંમતસિંહ પટેલનો અભ્યાસ ધોરણ - 9 સુધીનો છે, પણ પ્રજાકીય પ્રશ્નોને સમજી તેના ઉકેલની કોઠાસૂઝ સારી ધરાવે છે.
- અમદાવાદ શહેર પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલની નિમણૂક
- રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયાની નિમણૂક
- અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે પ્રતાપ દુધાતની નિમણુક કરાઈ
- જૂનાગઢ શહેર પ્રમુખ તરીકે ભરત અમિપરા ની નિમણુક કરવામાં આવી
- પંચમહાલ જિલ્લા પ્રમુખ તરીકે ચેતનસિંહ પરમારની નિમણૂક કરાઈ
- ખેડા જિલ્લા પ્રમુખ તરીકે ચંદ્રશેખર ડાભીને નિમણૂક કરાઇ
- આણંદ જિલ્લા પ્રમુખ તરીકે વિનુભાઈ સોલંકી ની નિમણૂક કરાઇ
- વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે જશપાલસિંહ પઢીયારની નિમણૂક કરાઈ
- નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે પ્રફુલ પટેલની નિમણુક કરવામાં આવી
- ડાંગ જિલ્લા પ્રમુખ તરીકે મુકેશ પટેલની નિમણૂક કરવામાં આવી
update.....