અમદાવાદ: વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા સુરેલ એપાર્ટમેન્ટમાં એક મહિલા કિન્નરથી એટલી હદે પરેશાન થઈ ગઈ કે, બાળકો અને પતિને ઘરે નહીં હોવાના અનેક વખત બહાના કરવા પડ્યા. તેમ છતાં કિન્નરો અવારનવાર રૂપિયાની માંગણી કરવા મહિલાનાં ઘરે પહોચી જતા. પરંતુ હદ તો ત્યારે થઇ જયારે મહિલાનાં પરિવારે રૂપિયા આપવાનો ઇનકાર કર્યો. જેથી ઉશ્કેરાઈને કિન્નરે મહિલા અને તેના પરિવારને ગાળો ભાંડી અને ફ્લેટનાં સિક્યોરીટી ગાર્ડે પ્રવેશ નહીં આપતા ધમકી પણ આપી હતી.
- વસ્ત્રાપુર વિસ્તારમાં કિન્નરોની દાદાગીરી
- કિન્નરો દ્વારા અવારનવાર રૂપિયાની માંગણી
- વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ
જોકે, ત્યારબાદ પણ કિન્નરો અનેક વખત મહિલાના ત્યાં પૈસા લેવા જતા હતા. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016 માં મહિલાએ એક વખત દક્ષિણા પેટે 15 હજાર આપતા કિન્નરો અનેક વખત આવી માગણી કરી હેરાન-પરેશાન કરતા હતા. જે બાદ ફરીએક વાર 5 કિન્નરો મહિલાનાં ઘરે પહોચ્યા હતા. ત્યારે મહિલા ઘરે હાજર ન હોવાની વાત દીકરીએ કરતા કિન્નરો દ્વારા પૈસાની માગણી કરવામાં આવી અને ધમકી પણ આપી હતી. જોકે, આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી. જેને પગલે મહિલાએ આ બનાવ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ અંગે ફરિયાદ નોંધાવતા નયના માસી સહિત બે કિન્નરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.