અમદાવાદઃ ભારતે ચંદ્રના દક્ષિણ ધૃવ પર પહેલી વાર ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચ્યો હતો. ચંદ્રયાન-3ની સફળતા દેશના લોકોએ દિવાળીની જેમ જ ઉજવણી કરી હતી. લોકોએ રસ્તા પર ફટકડા ફોડ્યા, મીઠાઈઓ વહેંચી, સોશિયમ મીડિયા સંદેશાથી ઊભરાવી કાઢ્યું. આ ઉજવણીઓમાં એક વિશિષ્ટ ઉજવણી કરી છે ટેટૂ લવર્સે. ટેટૂ લવર્સે શરીર પર ચંદ્રયાનનું ટેટૂ દોરાવીને ચંદ્રયાન-3ની સફળતાને ઉજવી હતી, ઉજવી રહ્યા છે.
ચંદ્રયાન-3ની સફળતાની ઉજવણી અમે વિશિષ્ટ રીતે કરી હતી. અમારા સ્ટુડિયોમાં અમે અંદર ચંદ્રયાન 3નું ટેટૂ દોરી આપવાનો નિર્ણય કર્યો હતો. જેમાં પરમેનન્ટ અને ટેમ્પરરી બંને પ્રકારના ટેટૂ ગ્રાહકોએ દોરાવ્યા હતા. હજુ પણ ગ્રાહકો ચંદ્રયાનના ટેટૂ દોરાવવાનો આગ્રહ રાખે છે...દેવાંગ સોની(ટેટૂ આર્ટિસ્ટ, અમદાવાદ)
યુવાનોમાં ટેટૂ ક્રેઝ જબરદસ્તઃ ભારત આજે અવકાશ વિજ્ઞાનમાં પોતાનું નામ સોનાના અક્ષરે અંકિત કરાવી ચૂક્યુ છે ત્યારે દેશના યુવાનો આ સફળતાની ઉજવણીમાં પાછા પડે તેમ નથી. દેશના યુવાનોએ આ સિદ્ધિની અનેક રીતે ઉજવણી કરી છે. તેમાં પણ શરીર પર ટેટૂ દોરાવીને ચંદ્રયાનની સિદ્ધિની ઉજવણીનો ક્રેઝ કંઈક અલગ લેવલે જ છે. શહેરમાં ટેટૂ સ્ટુડિયોમાં યુવાન ગ્રાહકોનો ધસારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના યુવા ગ્રાહકો ચંદ્રયાન-3 અને તેના વિષયક જોડાયેલી માહિતી પરથી ટેટૂઝ ત્રોફાવવાનું પસંદ કરે છે.
રોવર પ્રજ્ઞાન સતત મોકલે છે વીડિયો અને ફોટોઝઃ ભારત ચંદ્રના દક્ષિણ ધૃવ પર ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ કરીને દુનિયાનો પહેલો દેશ બન્યો છે. જયારે ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરવામાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે છે. ચંદ્ર ઉપરથી રોવર પ્રજ્ઞાન અને લેન્ડર વિક્રમ દ્વારા ચંદ્રની સપાટીનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રોવરના કેમેરાની મદદથી ચંદ્રની સપાટીના અલગ અલગ ફોટો પણ ઈસરોને મોકલવામાં આવી રહ્યા છે. ઈસરો દ્વારા આ ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયામાં પોસ્ટ થતાં રહે છે.