અમદાવાદ: મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદની આગવી ઓળખ સમા લૉ-ગાર્ડનમાં હેપ્પી સ્ટ્રીટનું ઉદઘાટન કર્યું હતું. આ ગાર્ડનનું નિર્માણ 8 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. શહેરના પોશ વિસ્તારની ખાઉ ગલીને નવા રંગરૂપમાં તૈયાર કરવામાં આવી છે. શહેરના લો ગાર્ડનમાં AMC દ્વારા તૈયાર કરવામાં આવેલી હેપ્પી સ્ટ્રીટનું આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ હેપ્પી સ્ટ્રીટમાં કુલ 42 વાન ઉભી રહેશે. હેપ્પી સ્ટ્રીટમાં એક બાજુની દિવાલને હેરિટેજ લુક આપીને અમદાવાદની પ્રાચીન ઓળખ ઉભી કરવામાં આવી છે. બીજી તરફની દિવાલ પર વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પેઈન્ટિંગ બનાવવામાં આવ્યા છે. હાલમાં કેટલાક લોકોને નવી તૈયાર કરવામાં આવેલી હેપ્પી સ્ટ્રીટમાં ખાણી-પીણીનો વેપાર ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી છે.