અમદાવાદઃ 1લી મે એટલે કે વિશ્વ મજૂર દિવસના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી અને તેની સાથે જ અલગ અલગ ક્ષેત્રે સંસ્થાનની પણ સ્થાપના કરવામાં આવી. જેમાં ગુજરાત હાઇકોર્ટનો પણ સમાવેશ થાય છે. ગુજરાત હાઈકોર્ટના 60માં સ્થાપના દિવસે ચીફ જસ્ટિસ વિક્રમનાથ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે અન્ય જજ, કાયદાપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને વકીલો સાથે વાતચીત કરી ઇતિહાસમાં હાઇકોર્ટ દ્વારા જાહેરહિત માટે લેવાયેલા પગલાંને યાદ કર્યા હતાં.
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસએ હાઇકોર્ટના ઇતિહાસને યાદ કરતા 2001માં થયેલા ભૂકંપ અને તેના અસરગ્રસ્તોને ન્યાયિક મદદમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું ન્યાયાલય પર લોકોને વધુ ભરોસો થાય અને તેમને ન્યાય મળે એજ દરેકનો મુખ્ય હેતુ હોવો જોઈએ. ગુજરાત હાઇકોર્ટના 60માં સ્થાપના દિવસે કેટલાક વરિષ્ઠ જજ અને વકીલ પણ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે જોડાયા હતા. આ સાથે જ હાઇકોર્ટના વર્તમાન જજ, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, ગુજરાત હાઇકોર્ટ બાર એસોસીએશનના પ્રમુખ યતીન ઓઝા અને અન્ય વકીલો પણ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે ચીફ જસ્ટિસનું માર્ગદર્શન મેળવ્યું હતું.
નોંધનીય છે કે ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ દ્વારા જારી કરેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે કોરોના મહામારી વચ્ચે ગુજરાત હાઇકોર્ટના 60માં સ્થાપના દિવસે કોઈએ ઉજવણી કે વીડિયો કોન્ફરન્સિંગમાં સંબોધન પછી કાળી પડવાની જરૂર નથી. આ કોઈ ઉજવણીનો કાર્યક્રમ નથી પરંતુ હાઈકોર્ટના સ્થાપના દિવસના સન્માનમાં ફુલ કોર્ટ રેફરન્સ રાખવામાં આવ્યું છે.
ચીફ જસ્ટિસે અગાઉ તમામ જજ, વકીલ, અને કાયદાકીય અધિકારીઓને યુનિફોર્મમાં જ વિડીયો કોન્ફરન્સિંગ મારફતે હાજર થવાનો આદેશ કર્યો હતો.