આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, “કુમકુમ મંદિરમાં છેલ્લા 34 વર્ષથી અમાવાસ્યાની ઉજવણી કરવામાં આવે છે. આ આમાવાસ્યા સદ્દગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી અને શ્રી વૃંદાવનદાસજી સ્વામીની સ્મૃતિ માટે ઉજવાય છે. જેનો પ્રારંભ શ્રી મુકતજીવન સ્વામીબાપાએ કરાવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નિશ્ચિત છે પણ તેનું આગમન અનિશ્ચિત છે. કમળના પાંદડા પર પાણીના ટીપાંની જેમ આયુષ્ય સડસડાટ પસાર થઈ જાય છે. તેથી ભગવાન ભજી લેવા જોઈએ અને ભગવાન ભજવામાં પોતાના પરિવારને પણ જોડવો જોઈએ અને બાળકોને નાનપણ ભકિતના રંગે રંગવા જોઈએ.”
આ ઉપરાંત તેમણે કહ્યું કે, “ઉઠ્યા, જાગ્યા, ન્હાયા, ખાધું-પીધુ, મોજ કરી અને મરી ગયા.આ સંસારની વાસ્તવિકતા છે. જીવનમાં જોઈએ થોડું અને દોડવાનું ઝઝું! સંસારમાં સુખનો છાંટો છે અને દુઃખ તો દરિયા જેવું છે. જયારે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભકિતનું સુખ તો આનંદનો મહાસાગર છે. તેથી આપણે મૃત્યુ આવ્યા પહેલા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભકિત કરીને મૃત્યુને સુધારી લેવું.”