અમદાવાદ: 5 ઓક્ટોબરથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી જ વિશ્વ કપ 2023ની શરૂઆત થઈ રહી છે. ત્યારે આજે 4 ઓક્ટોબરના દિવસે મીડિયામાં વાતો વહેતી થઈ હતી કે ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાશે પરંતુ બીસીસીઆઈના સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે ભવ્ય ઓપનિંગ સેરેમનીનું કોઈ જ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું નથી. પરંતુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તમામ ટીમના કેપ્ટનોનું ફોટો સેશન કરવામાં આવશે.
2.30 કલાકે ફોટો સેશન સેરેમની યોજાશે: બીસીસીઆઇના જણાવ્યા અનુસાર આજે બપોરે જીસીએ ક્લબ હાઉસના બેંકવેટ હોલમાં કેપ્ટન ડેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ ક્રિકેટ ટીમના કેપ્ટન્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના હાજર રહેશે અને ફોટો સેરેમનીમાં ભાગ લેશે. જ્યારે આનું લાઈવ પ્રસારણ પણ સીધું બીસીસીઆઈ દ્વારા કરવામાં આવશે. તમામ ટીમના કેપ્ટનો આજ વહેલી સવારથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવવાની શરૂઆત કરી દીધી હતી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 3 લેયર સુરક્ષા: ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ અને અમદાવાદ પોલીસ તરફથી મળતી માહિતી પ્રમાણે 14 ઓક્ટોબરના દિવસે ભારત અને પાકિસ્તાનની વિશ્વની પ્રસિદ્ધ કટ્ટર ટીમ વચ્ચે મેચ રમાવનારી છે. આ ઉપરાંત અમદાવાદમાં કુલ પાંચ જેટલી મેચોનું આયોજન બીસીસીઆઈ અને આઇસીસી દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રણ લેયરની સુરક્ષા રાખવામાં આવી છે. ઉપરાંત મળતી માહિતી પ્રમાણે કોઈપણ પ્રેક્ષક તેમની સાથે પીવાના પાણીની બોટલ અને જે વસ્તુ કે જે આસાનીથી ફેકી શકાય તેવી તમામ વસ્તુઓ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જ્યારે ભારત દેશના ઝંડામાં લાકડીનો ઉપયોગ પણ નહીં કરવાનો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જ્યારે જે હોટલમાં ટીમનું રોકાણ છે તે હોટલ પણ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવશે.
મેટ્રોના સમયમાં ફેરફાર: અમદાવાદમાં વર્લ્ડકપની સૌપ્રથમ મેચ 5 ઓક્ટોબરના રોજ રમાશે. અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની પાંચ મેચ રમાવવાની છે. સ્ટેડિયમમાં પહોંચવા માટે સૌથી સરળ ટ્રાન્સપોર્ટેશન તરીકે મેટ્રો રેલ છે. ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્ધારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્લ્ડકપની મેચના દિવસે રાતના એક વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવાશે. જેના માટે ફિક્સ 50ની પેપરની ટિકિટ લેવી પડશે.
ખેલાડીઓનું આગમન: અમદાવાદ એરપોર્ટ પર ખેલાડીઓનું આગમન જોવા મળી રહ્યું છે. પ્રેક્ષકો માટે એરપોર્ટ દ્વારા પણ ખાસ સુવિધા રાખવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારના પ્રેક્ષકોને હાલાકીનો સામનો ના કરવા પડે તે માટે એરપોર્ટથી એરપોર્ટ દ્વારા પ્રાઇવેટ કેબ (કાર) જે ડાયરેક્ટ સ્ટેડિયમ સુધી પ્રેક્ષકોને લઈ જાય તે માટે સુવિધાનું કાઉન્ટર મૂકવામાં આવ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વ કપની રેપ્લિકા: સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વ કપની રેપ્લિકા રાખવામાં આવી હતી. મહત્વની વાત કરવામાં આવે તો વિશ્વકપન રેપ્લિકાને સમગ્ર વિશ્વમાં ફેરવવામાં આવી છે ત્યારે રામોજી ફિલ્મ સિટી બાદ ગુજરાતની વાત કરવામાં આવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ વિશ્વ કપની રેપ્લિકા બીસીસીઆઈ અને આઇસીસી દ્વારા રાખવામાં આવી હતી.