અમદાવાદ : અમદાવાદમાં હનીટ્રેપની એક ઘટના બની છે. જેમાં યુવતીએ પ્રેમી સાથે મળીને ગાંધીનગરના યુવકને નિશાન બનાવ્યો અને મળવા બોલાવી લૂંટી લીધો છે. જોકે આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી બંટી બબલીને ઝડપી લીધા છે.
શું હતો સમગ્ર મામલો : ગાંધીનગરમાં રહેતા યુવકે આ સમગ્ર મામલે માધુપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તે અમદાવાદમાં દિલ્હી દરવાજા ખાતે એક દુકાનમાં નોકરી કરતો હોય 11મી ફેબ્રુઆરીએ બસ સ્ટેન્ડને ઉભો હતો. તે સમયે એક યુવતીએ તેની પાસે આવીને એક વ્યક્તિને ફોન કરવો હોય અને પોતાના ફોનમાં બેટરી ન હોય તેવું કહીને ફરિયાદી યુવક પાસેથી તેનો ફોન લીધો હતો. ફોનથી પોતાના નંબરમાં ફોન કરીને ફરિયાદી યુવકનો નંબર મેળવી લીધો હતો તે સમયે યુવતી પોતાનું નામ શીતલ જણાવીને ત્યાંથી જતી રહી હતી.
બીજા દિવસે યુવતીએ ફરિયાદીને ફોન કરીને બોલાવ્યો હતો : જે બાદ બીજા દિવસે યુવતીએ ફરિયાદીને ફોન કરીને બોલાવ્યો હતો અને અવારનવાર ફોન કરતા ફરિયાદી યુવક અને તેની વાતોમાં આવી ગયો હતો. દધિચી બ્રિજ પાસે આવેલા સ્મશાન ગૃહ પાસે શીતલને મળવા ગયો હતો. હજુ તો યુવક ત્યાં પહોંચ્યો જ હતો, ત્યારે તે સમયે જ પ્લાન મુજબ અચાનક જ અન્ય એક યુવક ત્યાં આવી પહોંચ્યો હતો.
આ પણ વાંચો : મહિલા આપઘાત કેસમાં પોલીસે પ્રેમી વિરુદ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી
જાનથી મારી નાખવાની આપી હતી ધમકી : તે સમયે ત્યાં આવી પહોંચેલા યુવકે ફરિયાદીને તેના અને શીતલ વચ્ચે શું સંબંધ છે તેવું કહીને માથાકૂટ કરી તેને માર માર્યો હતો. તે સમયે શીતલ પણ ફરિયાદી યુવકને ગાળો બોલીને ધમકાવવા લાગી હતી. જે બાદ અજાણ્યા યુવકે પોતાની પાસે રહેલો છરો કાઢીને ફરિયાદી યુવકના ગળા ઉપર મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપીને મોબાઈલ ફોન તેમજ તેના પાકીટમાં રહેલા રોકડ રકમ 500 પાકીટ સાથે પડાવી લીધા હતા. આ અંગે કોઈને કે પોલીસને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તે પ્રકારની ધમકી આપીને બંટી બબલી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
યુવકે નોંધાવી પોલીસ ફરિયાદ : આ ઘટના અંગે ફરિયાદી યુવકે માધુપુરા પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી પોલીસની મદદ માગી હતી. જે ઘટનામાં પોલીસે ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં આ ગુનામાં સામેલ બંટી બબલીને ઝડપી પાડ્યા છે. આ મામલે ઝડપાયેલા આરોપીઓમાં ધર્મિષ્ઠા ઉર્ફે શીતલ દંતાણી તેમજ ઈમરાન બિહારી નામના પ્રેમી પંખીડાની ધરપકડ કરવામાં આવી છે. કોઈ કામ ધંધો કરતા ન હોય મોજશોખ માટે આ રીતે લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે. તેમજ ઝડપાયેલી યુવતી ધર્મિષ્ઠા ઉર્ફે શીતલ દંતાણીને તેના પરિવારજનો સાથે પણ કોઈ સંબંધ ન હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : Accused arrested After 32 years: મુંબઈ લૂંટ કેસમાં ફરાર આરોપીની 32 વર્ષ બાદ ધરપકડ
ગુન્હામાં પકડાયેલા આરોપીઓ : આ અંગે માધવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.એન ઘાસુરાએ જણાવ્યું હતું કે, યુવકે નોંધાવેલી ફરિયાદ અનુલક્ષીને પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ એનાલિસિસ કરી આ ગુનામાં સામેલ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ કોઈ કામ ધંધો કરતા ન હોય અને મોજ શોખ પૂરા કરવા માટે આ પ્રકારે ગુનાહિત કૃત્ય આચરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે આ ગુન્હામાં પકડાયેલા આરોપીઓએ આ રીતે અન્ય કોઈ યુવકને પોતાના શિકાર બનાવ્યા છે કે કેમ તેમ જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.