અમદાવાદઃ રાજસ્થાનના વેપારીની માંગણીને ધ્યાનમાં રાખીને શાહપુરમાં રહેતા એક યુવકે ટૂ વ્હીકલ એમ્બ્યુલન્સ બનાવી છે. રાજસ્થાનના વેપારીએ જણાવ્યું હતું કે, રાજસ્થાનના અમૂક અંતરિયાળ ગામડાઓમાં લોકોને સારવાર માટે એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી. કારણ કે, ત્યાં પાકા રસ્તા નહીં હોવાથી ફોર વ્હીલર એમ્બ્યુલન્સ અંદર જઈ શકતી નથી. તેના માટે મોટરસાયકલ એમ્બ્યુલન્સ હોય તો લોકોને સમયસર સારવાર પ્રાપ્ત થઈ શકે છે. તેના માટે અમદાવાદના યુવકે બુલેટ બાઈક એમ્બ્યુલન્સ તૈયાર કરી છે.
બુલેટ બાઈક એમ્બ્યુલન્સની વિશેષતા
- એર સરક્યુલેશન
- પંખો
- ઓક્સિજન બોટલ
- મેડિકલ બોક્સ
અમદાવાદના શાહપુરમાં રહેતા અને સાઇડકારનો વ્યવસાય કરતા ઉપેન્દ્ર ચૌહાણ બુલેટ મોટરસાઇકલ સાથે સાઇડકાર એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ સાથેની ટુ વ્હીકલ એમ્બ્યુલન્સ બનાવી આપી છે. જેમાં એર સરક્યુલેશનની સાથે પંખો અને ઓક્સિજન બોટલ મુકવાની જગ્યા તેમજ બુલેટ બાઇકમાં બાઈકચાલકની પાછળની સીટ પર મેડિકલ બોક્સ રાખવાની પણ સુવિધા ઊભી કરી આપી છે.
હવે આ ટુ વ્હીકલ એમ્બ્યુલન્સને રાજસ્થાનના વેપારી પાસે મોકલી આપવામાં આવશે. રાજસ્થાનનો વેપારી તેનું પરીક્ષણ કર્યા બાદ અમદાવાદના આ યુવકને વધારે બુલેટ બાઈક એમ્બ્યુલન્સ બનાવવા માટેનો ઓર્ડર આપી શકે છે.
ઈટીવી ભારતના સંવાદદાતા પાર્થ શાહ સાથેની વાતચીત દરમિયાન ઉપેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી તેમને લોકોને કઈ રીતે મદદરૂપ થવું તેના માટે અનેક વિચારો આવ્યા હતા. જેમાં પ્રથમ વિચાર વાહન બાજુમાં સાઈડકારમાં એમ્બ્યુલન્સની સુવિધા કેવી રીતે વિકસાવી શકાય તેના તેના માટેનો વિચાર આવ્યો હતો, પરંતુ મધ્યમ વર્ગને સામાન્ય હોવાથી કોઈકનો ઓર્ડર આવે ત્યારબાદ આ વિચારનો અમલ થઈ શકે. હવે બુલેટ બાઈક એમ્બ્યુલન્સ બનાવ્યા બાદ રાજસ્થાન સહિત છત્તીસગઢ અને અન્ય રાજ્યોમાંથી તેમને બુલેટ બાઈક એમ્બ્યુલન્સ બનાવવાનો ઓર્ડર મળી રહ્યો છે. બુલેટ બાઈક એમ્બ્યુલન્સ બાબતે લોકોનું માનવું છે કે, લોકોને સમયસર સારવાર અને વહેલી તકે હોસ્પિટલ પહોંચી અન્ય સારવાર મળી શકે તે માટે ખૂબ જ મદદરૂપ બનશે.