અમદાવાદ: લગ્નની લાલચે બળાત્કારની ફરિયાદો અવારનવાર સામે આવતી હોય છે. લગ્નના વાયદાઓ કરીને અનેકવાર શારીરિક શોષણ થતા હોય તેવા કિસ્સાઓ સમાજમાં બનતા રહેતા હોય છે. આ મુદ્દે અનેક ફરિયાદો પોલીસના ચોપડે નોંધાતી હોય છે. આ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટ ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે.
શું છે સમગ્ર મામલો: આ સમગ્ર કેસની વિગતે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ઓઢવ વિસ્તારમાં રહેતા અલગ અલગ રાજ્યના મહિલા અને પુરુષ વચ્ચે ઓળખાણ થતાં તેઓ સંપર્કમાં આવ્યા હતા. આ સંપર્ક બાદ તેમની વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. જોકે યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને આ સંબંધો બાંધ્યા હતા એવો યુવતી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. લગ્નની વાત નીકળતા યુવકે ઇનકાર કરી દેતા યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
યુવતીએ દાખલ કરી ફરિયાદ: એડવોકેટ પુનેશ કામાણીએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ બંને વચ્ચે સમાધાન થઇ જતાં યુવતીએ ફરીયાદ પરત લીધી હતી અને ત્યારબાદ ફરી બંને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા હતા. જોકે ત્યારે પણ લગ્ન કરવામાં ન આવતા યુવતીએ બીજી વાર ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે પુરુષે તેની સાથે લગ્ન સહિતની અન્ય લોભામણી લાલચો આપી હતી અને તેનું અનેક વાર શારીરિક શોષણ કર્યું હતું. ત્યારબાદ આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.
શું કહ્યું હાઇકોર્ટે: આ સમગ્ર મામલે હાઇકોર્ટમાં સુનાવણી ચાલતા હાઇકોર્ટે મહત્વનું અવલોકન કર્યું હતું. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, પુખ્ત વયના બંને પાત્રોએ સહમતિથી જો શારીરિક સંબંધ બાંધ્યા હોય તો તેને દુષ્કર્મ કહેવાય નહીં. પુખ્ત વયની વ્યક્તિને લગ્નના વચન આપ્યા બાદ જો લગ્ન ના થાય તો દુષ્કર્મની ફરિયાદ નોંધી ન શકાય. બંને પાત્ર પુખ્ત વયના હોવાથી કલમ 376 હેઠળ ફરિયાદ નોંધાવી ન શકાય. કોઈપણ વ્યક્તિ ગુપ્ત વયના હોય છે ત્યારે લગ્નની લાલચે સરેન્ડર કરી શકો નહીં એવું પણ હાઇકોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું.