શહેરના જૂના વાડજ વિસ્તારમાં લખુમલ ભજીયા હાઉસ સામે રવિવારે રાતે ઉમેશ બચાણી નામનો બુટલેગર જાહેર રોડ પર હાથમાં દારૂની બોટલ લઈ રોફ જમાવી રહ્યો હતો. આસપાસના લોકોએ પોલીસને જાણ કરતા વાડજ પોલીસ ઉમેશ બચાણીની પ્રોહિબિશનના કેસમાં અટકાયત કરી હતી. જેને ડી સ્ટાફની ઓફિસમાં લઈ પોલીસ કાગળની કામગીરી હાથ ધરી હતી. અચાનક જ આરોપી ઉમેશ ઉગ્ર બની પોલીસને અપશબ્દો બોલવા લાગ્યો હતો.
બુટલેગર ઉમેશે પોલીસને ધમકી આપી હતી કે, તે બધા પોલીસવાળાને જોઈ લેશે. એકલા હશો ત્યારે હુમલો કરી જાનથી મારી નાખશે. આરોપીએ ભગવાન પાટિલ નામના પોલીસકર્મીને કહ્યું કે, "તને તો નહીં જ છોડું." રિવોલ્વર ધરાવતા પોલીસકર્મીને કહ્યું હતું કે, "લાવ તારી પિસ્ટલ, એક બે ને પાડી દવ, તારી પાસે બંદૂક છે પણ હિંમત નથી. પોલીસવાળા પૈસા ખાવાવાળા છે."ઝપાઝપી દરમિયાન ઉમેશના નાકના ભાગે ખુરશી વાગી ગઈ હતી. લોકઅપમાં પુરશો તો આખી રાત માથા પટકી પટકી ઇજા કરી કોર્ટમાં ફરિયાદ કરીશ તેવી ધમકી આપી હતી. આ સમગ્ર મામલે પોલીસે બુટલેગર ઉમેશ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.