આપણી સંસ્કૃતિમાં અષાઢી બીજનું ખાસ મહત્વ છે. સામાન્ય રીતે અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રા. ચાલુ વર્ષે 4 જુલાઇએ ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા નિકળવાની છે.
ભગવાન જગન્નાથજીની 142 મી રથયાત્રાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. આ રથ યાત્રામાં દરેક રમતવીરો પોતાના કરતબો બતાવતા હોય છે, ત્યારે રથયાત્રામાં ભાગ લેતા અખાડિયાઓ પણ કેવી રીતે પાછળ રહી શકે.. જીમમાં અને અખાડામાં તાલીમ લઈ રહેલા આ કુસ્તીબાજો રથયાત્રા માટે તૈયાર છે. પ્રતિવર્ષે રથયાત્રામાં પોતાના બોડી શેપ, ચેસ્ટ, ટ્રાયશેપ, બાય શેપથી આ કુસ્તીબાજો લોકોનું ધ્યાન ખેંચતા રહે છે.
કહેવાય છે કે, ભગવાન કૃષ્ણ અને ભાઈ બલરામ કંસનો વધ કરતા પૂર્વે કુસ્તીબાજો સાથે મલ્લયુધ્ધ કરે છે. ત્યારબાદ મામા કંસનો વધ કરે છે. ધાર્મિક દંતકથાને ધ્યાનમાં રાખીને જ આ કુસ્તીબાજો ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવવા અખાડામાં બોડી બિલ્ડિંગના પ્રદર્શન માટે શરીર કસી રહ્યાં છે.
આ પ્રાચીન કળાને પ્રદર્શિત કરવા માટે મોટેરાની સાથે નાના ભુલકાઓ પણ પાછળ નથી. આ બાળકો છેલ્લા 7 વર્ષથી બોડી બિલ્ડીંગથી લઇને ચક્કર, બરંડી જેવા અનેક કરતબો રથયાત્રાનો દિવસે કરે છે. કોઈ ભગવાનની ભક્તિ કરીને તો કોઈ ભગવાનની સેવા પુજા કરીને ભગવાન જગન્નાથજીને રીઝવવાનો પ્રયાસ કરે છે ત્યારે રથયાત્રામાં વર્ષોથી બોડીબિલ્ડિંગના દાવપેચ દાખવતા આ કુસ્તીબાજો પણ ભગવાનને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.