અમદાવાદ: વિરમગામ તાલુકાના કેશવપુરા ગામથી એક યુવક પોતાની પત્નીને ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવા માટે જોધપુર ખાતે આવેલ કામેશ્વર વિદ્યાલય ખાતે પહોંચ્યો હતો. જ્યાં તેને જણાવ્યું હતું કે મારી પત્ની જ્યાં સુધી અભ્યાસ કરશે. ત્યાં સુધી હું તેને અભ્યાસ કરાવવા માંગું છું. હું છેલ્લા ત્રણ મહિનાથી મારી પત્નીને અભ્યાસ કરાવી રહ્યો છું. એક મહિનાથી નોકરીમાંથી રજા લઈને તેને રોજ તેને જે પણ મુશ્કેલી પડતી હોય તેમાં મદદરૂપ થઈ રહ્યો છું.
સામાજિક દબાણથી વિરુદ્ધ યુવાને કરી પત્નીની તરફદારી : રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. બોર્ડની પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓની સંખ્યા ઓછી જોવા મળી હોય છે. પરંતુ પરિણામમાં હંમેશા વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓ આગળ હોય છે. અમુક સમાજમાં આજ પણ છોકરીઓને અભ્યાસ કરાવવામાં આવતો નથી. એવા જ એક સમાજનો યુવાન પોતાની પત્નીને અભ્યાસ કરાવવા માટે સમાજની વિરુદ્ધમાં જઈને ભણાવવા માટે ધોરણ 10 ની પરીક્ષા અપાવવા માટે પરીક્ષા કેન્દ્ર પહોંચ્યો હતો.
પત્નીને ભણાવવા માટે પૂરેપૂરી મદદ : કિરણ મકવાણા જણાવ્યું હતું કે મારી પત્ની ભાવના જે આગળ અભ્યાસ કરવા માંગી રહી છે. પરંતુ મારા પરિવારમાંથી કોઈ મદદ કરી નથી અને તે ખોટી માન્યતાઓમાં માની રહ્યા છે. તેઓ જણાવી રહ્યા છે કે લગ્ન બાદ દીકરીએ અભ્યાસ ન કરવો જોઈએ એવું વિચારી રહ્યા છે. પરંતુ મેં વિચાર્યું કે હું જે રીતે ભણ્યો છું તેવી રીતે હું પણ તેને આગળ ભણાવીશ અને મારા પરિવારમાંથી ભલે કોઈની મદદ ન મળે પરંતુ હું તેને ભણવામાં પૂરેપૂરી મદદ કરીશ.
પત્નીને ઓફિસર બનવું હશે તો પણ મદદ કરીશ : વધુમાં આ યુવાને જણાવ્યું હતું કે સમાજ એવું એવું માની રહ્યા છે કે સમાજમાં એવું વિચારાય છે કે દીકરીને ભણાવીને શું કામ, લગ્ન બાદ તો તેને પરિવારનું ભરણપોષણ જ કરવાનું હોય છે. સમાજમાં શિક્ષણ પર ભાર આપતા નથી. પરંતુ મેં બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે. મારી પત્ની જ્યાં સુધી ભણવા ઈચ્છતી હશે ત્યાં સુધી તેને હું ભણાવીશ અને જો મારા પરિવારથી મને મદદ મળશે તો ચોક્કસપણે તેને ઓફિસર પણ બનાવવા માંગુ છું.
આ પણ વાંચો Board Exam : જેલમાં કેદીએ પોલીસ બનવા માટે આપી બોર્ડની પરીક્ષા, આઠ મહિનાથી શરૂ હતી તૈયારીઓ
ગુરુએ મને મદદ કરી : વધુમાં જણાવ્યું હતું કે મારા ગુરુ પ્રભુદાસ બાપુના પણ સહયોગથી હું તેને અહીંયા પરીક્ષા આપવા માટે લાવી શક્યો છું. આ ઉપરાંત હું જ્યાં નોકરી કરું છું ત્યાં ટીચર અને આઇટી એન્જિનિયરિંગ તરીકે કામ કરતા સાહેબે પણ મને મદદ કરી છે. તેમને પણ મને પરીક્ષાલક્ષી પ્રશ્નો તેમજ અન્ય પરીક્ષાલક્ષી સાહિત્ય આપવામાં મદદ કરી છે. હાલમાં મેં પણ બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો હોવાથી તેને પણ અન્ય રીતે પણ મદદ કરી રહ્યો છું.
મહિલા શિક્ષિત હોવી જરૂરી : વધુમાં જણાવ્યું હતું કે સમાજની અંદર મહિલાઓ શિક્ષિત હોય ખૂબ જ જરૂરી છે. કારણ કે એક મહિલા જો સારી રીતે અભ્યાસ કર્યો હશે તો તે પોતાના પરિવાર અને સમાજને પણ મદદરૂપ થઈ શકે છે. પુરુષ હંમેશા પોતાના વ્યવસાય અર્થે બહાર જ હોય છે પરંતુ મહિલા જો શિક્ષિત હશે તો પોતાના બાળકોને પણ યોગ્ય શિક્ષણ આપી શકશે. જેના કારણે મહિલાને અભ્યાસ અને સારું શિક્ષણ મેળવ્યું હોય એ ખૂબ જ જરૂરી છે.