અમદાવાદઃ કોરોના વાઇરસના કારણે અપાયેલા લોકડાઉન દરમિયાન અને ત્યારબાદના સંક્રમણ કાળમાં લોહીની અછત છે. ત્યારે આવા સમયે લોહી એકત્રિત કરવું એ મોટો પડકાર છે. પરંતુ તેમ છતાંય જરૂરિયાતમંદોને લોહી મળી રહે તે માટેના પ્રયત્નો અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા સતત થતા રહે છે. આવો જ એક કાર્યક્રમ અમદાવાદના અંકુર વિસ્તારમાં આવેલા કામેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાઈ હતો. જેમાં ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા રેડક્રોસ સોસાયટી અને કામેશ્વર મહાદેવ ટ્રસ્ટના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેડક્રોસના સહયોગથી ગુરૂકૃપા ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સામાન્ય રીતે થેલેસેમિયાના મેજર બાળકોને બે થી ત્રણ મહિને બ્લડ રિપ્લેસ કરવું પડે છે. આ ઉપરાંત એક્સિડન્ટમાં ઘવાયેલા વ્યક્તિઓ તેમજ હાર્ટ, કિડની અને લિવર ટ્રાન્સપ્લાન્ટ વ્યક્તિઓને પણ બ્લડની જરૂર પડે છે, ત્યારે આજે આ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા લગભગ 350 બોટલ લોહી એકત્રિત કરવામાં આવ્યું હતું. કોરોનાના કારણે બ્લડ ડોનેશન ઓછું છે, ત્યારે રિપ્લેસમેન્ટ ચાલી રહ્યું છે. બ્લડ બેન્કો દ્વારા લોકડાઉનના સમયમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રેગ્યુલર ડોનરને કોલ કરવામાં આવતા હતા. તો જરૂર પડે સ્ટાફ મેમ્બર્સ દ્વારા લોહી ડોનેટ કરાતું હતું.આ કૅમ્પમાં કોરોના વાઇરસને લઈને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, હેન્ડ સેનિટાઈઝરની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તેમજ ડૉક્ટરો અને નર્સો દ્વારા પીપીઈ કીટ પહેરીને કાર્ય કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે દર રક્તદાન પહેલા જે તે વ્યક્તિનું ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે. તેનું વજન, હિમોગ્લોબીનની માત્રા અને બ્લડ પ્રેશર પણ ચેક કરવામાં આવે છે.
ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા વર્ષમાં ચાર વાર એટલે કે, દર ત્રણ મહીને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત દર શનિવાર અને રવિવારે જરૂરિયાત મંદ વ્યક્તિઓને મદદ તેમજ જીવદયાના કાર્યો પણ કરવામાં આવે છે. રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા તેમને એક ટ્રોલી બેગ, માસ્ક અને સેનેટાઈઝરની બોટલ આપવામાં આવી હતી.