અમદાવાદઃ રાજ્યના હવામાન ખાતાના ડાયરેક્ટર મનોરંમા મોહંતીએ જણાવ્યું હતુ કે, સામાન્ય રીતે કેરળમાં ચોમાસું શરૂ થયા બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થાય છે. કેરળ રાજ્યમાં વરસાદ થયાના 15થી 20 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું સક્રિય થાય છે. મુંબઈ શહેરમાં ચોમાસાના આગમન બાદ ગુજરાતના મહાનગરમાં વરસાદ પડવાની શરૂઆત થાય છે. ગુજરાતમાં આ વખતે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે. હવામાન શાસ્ત્રીઓ પણ આ વાત માની રહ્યા છે. ગુજરાત રાજ્યમાં તારીખ 15 જૂન બાદ ચોમાસુ સક્રિય થઈ શકે છે. પ્રથમ તબક્કામાં ચોમાસું સામાન્ય રહેવાની પૂરી શક્યતાઓ છે.
સૌરાષ્ટ્ર-કચ્છને અસરઃ આ વખતે સૌરાષ્ટ્ર-ક્ચ્છમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવે એવી સંભાવના હોય છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તથા સૌરાષ્ટ્રમાં સતત ચાર દિવસ હળવો વરસાદ પડી શકે છે. વરસાદની સાથે ભારે પવન ફૂંકાવવાની પૂરી સંભાવનાઓ છે. નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. હવામાન ખાતાના રીપોર્ટ અનુસાર શુક્રવારથી ચાર દિવસ સુધી વરસાદ પડવાની પૂરી શક્યતાઓ છે. આણંદ, વડોદરા, સુરત, નવાસારી, ડાંગ, નર્મદા, જામનગર, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ તથા ભાવનગરના ગ્રામ્ય પંથકમાં હળવા ઝાપટા પડી શકે છે.
દરિયા કિનારે અસરઃ વાવાઝોડાની આંશિક અસર દરિયા પર જોવા મળી શકે છે. શનિવારે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ, તાપી, જૂનાગઢ, અમરેલી તથા ભાવનગરમાં વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યારે રવિવારે વડોદરા, સુરત, નવસારી, ડાંગ, નર્મદા, વલસાડ, ભરૂચ, રાજકોટ તથા પોરબંદરમાં વરસાદ પડશે. દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે ઝાપટા પડી શકે છે. અમદાવાદ સહિત ગુજરાત આખામાં વાવાઝોડાની અસરના પગલે વરસાદ પડી શકે છે. 15 જૂન પહેલાનો વરસાદ વાવાઝોડાના ભાગ રૂપે નથી.
સોમવાર સુધી આગાહીઃ સોમવારે આણંદ, વડોદરા, સુરત, નવસારી, ડાંગ, નર્મદા, વલસાડ, ભરૂચ, તાપી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, જામનગર તથા દ્વારકા-અમરેલીમાં વરસાદ પડવાની પૂરી સંભાવનાઓ છે. સતત ચાર દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે. જોકે, સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસું 15 જૂન પછી શરૂ થવાની સંભાવના છે. સતત ત્રણ દિવસ સુધી દરિયાથી નજીકના વિસ્તારમાં આવેલા પંથકમાં ભારે પવનને કારણે વાવાઝોડા જેવો પવન ફૂંકાશે. જોકે, સતત બદલી રહેલા વાતાવરણને કારણે લોકોના જનજીવન ઉપર પણ અસર થઈ રહી છે.