અમદાવાદ: ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાનું સંકટ યથાવત છે. ચક્રવાત હવે પ્રચંડ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. હાલ 'બિપરજોય' વાવાઝોડું જખૌથી 280 કિલોમીટર દૂર છે. જ્યારે દ્વારકાથી 290 તેમજ પોરબંદરથી 350 કિલોમીટર, અને નલીયાથી 310 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હાલ પ્રતિ કલાક 12 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં હાલ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
જખૌ બંદર પર દરિયામાં કરંટ: કચ્છના 18 માછીમારી કેન્દ્રો પર 1900 બોટને મજબુત રીતે બાંધી દેવામાં આવી છે, જખૌ બંદર પર 70 મોટી સોલાર બોટની સુરક્ષા સઘન બનાવવામાં આવી છે, તો જખૌ બંદર પર દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને તોફાની મોજા પણ જોવા મળી રહ્યા છે. આગામી સમયમાં જખૌ પોર્ટ પર પવનની ઝડપ 130 થી 150 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે તો ભારેથી અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે.
દ્વારકાધીશની ધજા ખંડિત થઈ: વાવાઝોડાના અસરને પગલે દ્વારકા પંથકમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દ્વારકા જગત મંદિરના શિખર પર ફરકાવવામાં આવેલી ધજા પણ ખંડિત થઈ હતી. આજે સવારે બે ધજા પૈકી એક ધજા બિલકુલ ખંડિત થઈ હતી. ભક્તોની માંગણી છે કે ધજાને બદલવામાં આવે કારણ કે દ્વારકા જગત મંદિરની ધજા ફક્ત ધજાનું કાપડ જ નહીં પરંતુ કરોડો ભક્તોની આસ્થાનું પ્રતીક છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે.
અમરેલી જિલ્લામાં લોકોને સલામત સ્થળે ખસેડાયા: જાફરાબાદ અને રાજુલા તાલુકા ના ખેરા ગામ જે ગામ છે એ સમુદ્ર કિનારે વસેલું છે. અમરેલી જિલ્લાનુ છેલ્લુ ગામ છે.આ ખેરા ગામના સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો આમ અમરેલી જિલ્લાના દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં ભારે પવન ફુંકાય રહ્યો છે. વાવાજોડાની અસરના પગલે અમરેલી જિલ્લામાં મામલતદાર તલાટી મંત્રી તેમજ સરપંચોની સતત સંપર્કમાં રહીને તંત્ર દરિયકીનારના આજુબાજુના ગામોમાં જે નજીકના કાચા મકાનોમાં રહેતા લોકોને તંત્ર સજજ બની કામગીરી હાથ ધરવામાં આવી હતી .દરિયા કાંઠાના જોખમી સ્થળે વસતા 2000 થી વધુ લોકોને સલમાત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં.
જામનગરમાં આર્મીના 78 જવાનો તૈનાત: દ્વારકામાં આર્મી તૈનાત ચક્રવાત બિપરજોયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર જામનગર ઉપરાંત સેનાની ત્રણે પાંખો આર્મી, નેવી અને એરફોર્સ પણ મદદે આવી છે. જામનગર મિલિટરી સ્ટેશનમાંથી આર્મીની રેસ્ક્યુ ટિમ આજે રાહત અને બચાવ કાર્ય માટે દ્વારકા જવા માટે રવાના થઇ છે.
સ્વામિનારાયણ ગુરુકુળ આવ્યું મદદે: સત્સંગ શિક્ષા પરિષદ ગાંધીનગર અંતર્ગત સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આજે વાવાઝોડામાં અશકગ્રસ્ત પરિવારો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. આશરે 5,000 જેટલા ફૂડ પેકેટ બનાવવામાં આવી રહ્યા છે જેના માટે ગાંઠિયા અને બુંદી ના પેકેટો બનાવવામાં આવી રહ્યા છે. સ્વામિનારાયણ ગુરુકુળના ફૂલ તથા કોલેજના સ્ટાફના શિક્ષકો અને પ્રિન્સિપાલો આ કાર્યમાં જોડાયા છે.