વર્ષ 2017 ધોળકા વિધાનસભાની જીતને પડકારતી રિટ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થઈ હતી. આ મુદે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમા 27મી ઓગસ્ટના રોજ જસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં સાક્ષી તરીકે હાજર રહી જુબાની આપવા માગે છે. ધોળકા વિધાનસભા બેઠકથી ભુપેન્દ્ર ચુડાસમા 327 મતથી જીત્યા હતા. જેને કોગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા પડકારવામાં આવી હતી. અશ્વિન રાઠોડે ભુપેન્દ્ર ચુડાસમા પર મત-ગણતરીમાં ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.
આ રીટ અંગે જસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં ભુપેન્દ્રસિંહના વકીલ નિરૂપમ નાણાવટીએ રજુઆત કરી હતી. તેમણે કોર્ટને ક્હ્યુ હતું કે, ચુડાસમા આ મુદે જુબાની આપવા માગે છે. તેની સામે અશ્વિન રાઠોડના વકીલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રાઠોડના વકીલ શરવીલ મજમુદારે દલીલ કરી હતી કે, ગત જાન્યુઆરી મહિનામાં સાક્ષીઓનું લિસ્ટ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં ચુડાસમાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ચુડાસમાનું નામ પાછળથી ઉમેરાયું છે.
ભુપેન્દ્ર ચુડાસમાના સાક્ષી તરીકે જુબાની આપવા માટેના લિસ્ટમાં નામ જોડાવવા બદલ હાઈકોર્ટે ચુડાસમાના વકીલને આ મુદે અલગ અરજી દાખલ કરવાનો આદેશ કર્યો હતો. આ મામલે વધુ સુનાવણી અગામી 27મી ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. અગાઉ ચુડાસમાએ સુપ્રિમ કોર્ટમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા કેસની યોગ્ય તપાસ ન થતી હોવાની અરજી કરી નારાજગી વ્યકત કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ પીટીશનની સુનાવણી દરમિયાાન ચુંટણી અધિકારી ધવલ જાનીએ જુબાની આપી હતી. તેમણે કોર્ટ સમક્ષ કબુલાત કરી હતી કે, મત ગણતરી સમયે તેમણે ચુંટણી પંચના કેટલાક નિયમોનું ઉલ્લઘંન કર્યું હતું.