અમદાવાદઃ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ગુજરાત હાઇકોર્ટે ચિડાસમાની જીતને રદ કરવાના આદેશ પર મનાઈ હુકમ ન આપતા હવે ટૂંક સમયમાં કાયદા પ્રધાન સુપ્રીમ કોર્ટમાં જશે. ગુજરાત હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટના આદેશના ત્રણ સપ્તાહ સુધીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આદેશને ત્રણ સપ્તાહ સુધીમાં સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે. ચુડાસમા સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ એપ્લિકેશન દાખલ કરશે. કોંગ્રેસના અશ્વિન રાઠોડ પણ સુપ્રીમ કોર્ટમાં કેવીએટ અરજી દાખલ કરશે.
ગુજરાત હાઇકોર્ટના ચૂકાદા બાદ તમામની નજર સુપ્રીમ કોર્ટ પર રહેશે. કારણે કે, આગામી દિવસોમાં રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમાં મતદાન કરી શકે કે કેમ તે પણ સૌથી મોટો પ્રશ્નાર્થ છે. સુપ્રીમ કોર્ટ જો હાઈકોર્ટના ચૂકાદા પર સ્ટે આપે તો પછી શું ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે કે કેમ તે મુદ્દે પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ શકે છે.
ગુજરાત હાઈકોર્ટે મંગળવારે આપેલા ચૂકાદામાં નોંધ્યું છે કે, ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાનીએ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ફાયદો કરાવવા માટે ગેરરીતિ આચરી હતી. આ સમગ્ર ધોળકા વિધાનસભાની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ કોર્ટે સ્વીકાર્યું છે. આ મુદ્દે વાતચીત કરતા કોંગ્રેસમાં ઉમેદવાર અશ્વિન રાઠોડ જણાવ્યું હતું કે, તેમણે ગેરરીતિ અંગે વારંવાર ધવલ જાનીનું ધ્યાન દોર્યું તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નહીં ત્યારબાદ ત્રણ વર્ષ પહેલા હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન અરજી દાખલ કરી હતી.
નોંધનીય છે કે, ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે અગાઉ દેવભૂમિ દ્વારકા ભાજપના ધારાસભ્ય પબુભાા માણેકની પણ ચૂંટણી રદ જાહેર કરી હતી. ગુજરાત હાઇકોર્ટ રીપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એકટ 1951ની કલમ 123(7) મુજબ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પોલિંગ એજન્ટ ધવલ જાની અને અન્ય ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર આચરવા માટે દોષિત માન્યા હતા.
વર્ષ 2017 ધોળકા વિધાનસભા જીતને પડકારતી રિટ મુદે કાયદા પ્રધાન ભૂપેન્દ્ર ચુડાસમા 27મી ઓગસ્ટના રોજ જસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં સાક્ષી તરીકે હાજર રહી જુબાની આપી હતી. ધોળકા વિધાનસભા બેઠકથી ભૂપેન્દ્ર ચૂડાસમા 327 મતથી જીત્યા હતા. જેને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા પડકારવામાં આવી હતી..અશ્વિન રાઠોડે ચૂડાસમા પર મતગણતરીમાં ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.