અમદાવાદ : 2017 માં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડનાર ભૂપેન્દ્ર પટેલ માટે 1 સપ્ટેમ્બર, 2021 નો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. કેન્દ્રીય મોવડી મંડળે તત્કાલીન વિજય રૂપાણી સરકારની વિદાય બાદ ઘાટલોડિયા વિધાનસભા ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને એકાએક રાજ્યની ધુરા સંભાળવા કહ્યું. મૃદુ અને મક્કમ વ્યક્તિત્વ ધરાવતા ભૂપેન્દ્ર પટેલે અનેક પડકારો વચ્ચે સત્તા સંભાળી અને 2022 માં ભાજપને 156 બેઠકો અપાવીને વિક્રમ સ્થાપ્યો હતો. મૂળે અમદાવાદ કોર્પોરેશન અને ઔડામાં સારા આયોજન અને પરિણામલક્ષી કામગીરીને ધ્યાને લઈ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસમાં શાંત રહી વિકાસની અનેક પહેલ કરી છે.
રાજકીય કુનેહ દાદાની શક્તિ : 12 ડિસેમ્બર 2022 ના રોજ બીજી વાર મુખ્યપ્રધાન બન્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલના રાજ્યમાં પ્રમાણમાં શાંતિ રહી છે. જ્ઞાતિ આધારિત કે કોમી તોફાનો અને આંદોલન થયા નથી. પોતાની સંવાદ શૈલી અને સમાધાનકારી વલણથી આંદોલનનો સુખદ અંત લાવ્યા છે. જેમાં TRB જવાનોનો મામલો હોય કે આરોગ્ય કાર્યકરોની માંગ હોય, આવા મામલે ભૂપેન્દ્ર પટેલે મધ્યમ માર્ગ અપનાવી રાજકીય કૂનેહના દર્શન કરાવ્યા છે.
સ્વચ્છ છબી ધરાવતા CM : રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યાએ સીએમ ભૂપેન્દ્ર પટેલના શાસન અંગે જણાવ્યું હતું કે, 2022 માં ભૂપેન્દ્ર પટેલના ચહેરા હેઠળ યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો મળી હતી. હાલ રાજ્યમાં વિપક્ષનો કોઈ મોટો પડકાર દેખાતો નથી. પણ 2024 માં રાજ્યની 26 લોકસભા બેઠકો પર ભાજપનો વિજય થાય એ મોટો પડકાર રહેશે. એવું લાગે છે કે, મુખ્યપ્રધાન પાસે અનુભવી નિષ્ણાંતોની અછત છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ હજી સુધી કોઈ ટીકા કે વિવાદમાં આવ્યા નથી, એ તેમની સ્વચ્છ છબીને દર્શાવે છે.
હાલ રાજ્યમાં વિપક્ષ નથી, પરંતુ જનતામાં અનેક મુદ્દે સરકાર સામે અસંતોષ છે. મંત્રી-મંત્રી વચ્ચે ક્યારેક સંકલનના અભાવ જેવા બનાવો સામે આવે છે. એવું લાગે છે કે, મુખ્યપ્રધાન પાસે અનુભવી નિષ્ણાંતોની અછત છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ હજી સુધી કોઈ ટીકા કે વિવાદમાં આવ્યા નથી, એ તેમની સ્વચ્છ છબીને દર્શાવે છે. -- જયવંત પંડ્યા (રાજકીય વિશ્લેષક)
જનતા દાદાના કામથી ખુશ ? વધુમાં જયવંત પંડ્યાએ મુખ્યપ્રધાનની કામગીરી અંગે મંતવ્ય આપતા જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં વિપક્ષ નથી, પરંતુ જનતામાં અનેક મુદ્દે સરકાર સામે અસંતોષ છે. ભાજપે 2017 ની ચૂંટણી સમયે રસ્તા સારા કરવાનું વચન આપ્યું હતું, છતાં આજે પણ રસ્તાઓની સ્થિતિ ખરાબ છે. રાજ્યની નગરપાલિકાના બિલો પેન્ડિંગ થતા જાય છે. રાજ્યમાં નકલી ખાદ્ય સામગ્રીથી લઈને નકલી ઓફિસર અને ટોલનાકું પકડાય છે, જેના કારણે સરકારની છબી સામે પડકાર ઉભો થયો છે. મેટ્રો રેલવેની મંદ કામગીરી અને મેટ્રો સ્ટેશન પાસે પાર્કિગની વ્યવસ્થા નથી. મંત્રી-મંત્રી વચ્ચે ક્યારેક સંકલનના અભાવ જેવા બનાવો સામે આવે છે.
સીએમ પટેલની પહેલનું પરિણામ : સ્વચ્છ છબી ધરાવતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની બીજી ટર્મમાં અનેક પહેલ થઈ છે, જેની રાજ્યના વિકાસ પર અસર થઈ છે. G-20 અંતર્ગત રાજ્યભરમાં યોજાયેલી સમાંતર બેઠકોએ ગુજરાતને દેશ અને વૈશ્વિક ફલક પર રજૂ કર્યું છે. ગુજરાત મોડલ અને ગુજરાત ઔદ્યોગિક વિકાસની તરાહને પ્રદર્શીત કરી વિદેશી રોકાણ ખેંચી લાવવા માટે ઉપયોગી સાબિત થયું છે. જેના થકી ગુજરાતમાં ફાર્મા, ફાયનાન્સ, ફૂડ ટેકનોલોજી, રિન્યુબલ એનર્જી ક્ષેત્રે માતબર રોકાણ આવ્યું છે. ગિફ્ટ સિટીના વિકાસ અને હવે સુરતના ડાયમંડ બુર્સ ગુજરાતને વૈશ્વિક ઓળખ અપાવી રહ્યાં છે.
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વ્યક્તિ તરીકે સારા પણ મુખ્યપ્રધાન તરીકે નિષ્ફળ રહ્યાં છે. તેમની સરકારમાં જ નકલીની ભરમાર પ્રકાશિત થઈ છે. નકલી દૂધ, પનીર મળે છે, તો નકલી સરકારી અધિકારીઓ અને નકલી સરકારી ઓફિસ ઉભી કરી મળતીયાઓ ભ્રષ્ટાચાર કરી પ્રજાના પૈસાને વેડફે છે. ભૂપેન્દ્ર પટેલની સરકારને એક વર્ષ સંપન્ન થાય છે ત્યારે પ્રજા કાર્યને સૂત્રમાં નહીં પણ તેઓ મક્કમ બની વાસ્તવિકતામાં સાચા ઠેરવે એવી મારી અપેક્ષા છે. -- ડો. મનીષ દોશી (મુખ્ય પ્રવક્તા, કોંગ્રેસ)
દાદાની બીજી ઇનિંગ રહી વાઈબ્રન્ટ : 2024માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટને 20 વર્ષ સંપન્ન થશે, ત્યારે 2023 ના વર્ષમાં રાજ્યમાં તમામ જિલ્લામાં પહેલી વાર ડિસ્ટ્રીક્ટ સમિટ આયોજિત કરવામાં આવી છે. જેના થકી રાજ્યમાં 45 હજાર કરોડના કરાર થયા અને રાજ્યમાં સેમી સ્કેલ અને સ્કિલ આધારિત રૂ. 2.25 લાખ રોજગારીનું સર્જન થયું છે. દેશમાં ગુજરાતમાં પહેલી વાર માઈક્રોચીપ બનશે. આ સાથે સાણંદ ખાતે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી સાથે સેમી કંડક્ટરના નિર્માણનું હબ ગુજરાત બનશે. જેના માટે મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે ઝડપી કાર્યવાહી કરી છે.
ભૂપેન્દ્ર પટેલની અનેક સિદ્ધિઓ સામે અનેક વણઉકલ્યા પ્રશ્નો :
મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલની અનેક સિદ્ધિ છે. બીજી ટર્મમાં મુખ્યપ્રધાન બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી જન-આરોગ્ય વીમા યોજના હેઠળના વીમાની રકમ પાંચ લાખથી વધારીને 10 લાખ કરી છે. આ સાથે કિડનીના દર્દીઓને ડાયાલિસિસની સુવિધા સરળતાથી મળે તે માટે વન નેશન-વન ડાયાલિસિસ સેવાનો આરંભ કર્યો હતો. છેલ્લાં એક વર્ષમાં રાજ્ય સરકારે આઠ હજાર સરકારી નોકરી આપી સાથે સીધી ભરતી દ્વારા 10 હજાર કર્મયોગીઓને નિયુક્ત કર્યા છે. આમ છતાં રાજ્યમાં વધતા ડ્રગ્સના વેચાણ, કોન્ટ્રાક્ટ આધારિત રોજગાર, મોંઘા થતા શિક્ષણ, સસ્તા અનાજના વિતરણમાં ભ્રષ્ટાચાર, ખાનગીકરણથી મોંઘી થતી જાહેર સેવાઓ બાબતે નાગરિકોમાં નારાજગી છે.
રાજ્યમાં સતત વધતા ટ્રાફિક, જીવલેણ અકસ્માત, ગુના-આત્મહત્યા, દારૂકાંડ, જાહેરમાં દાદાગીરીના અનેક બનાવો બાબતે ભૂપેન્દ્ર પટેલ સરકારને ઘણું કરવાનું બાકી છે. રાજ્યમાં પકડાતા નકલી અમલદારો, સરકારી ઓફિસો, ટોલનાકાંથી રાજ્ય સરકારની છબીને આંચ આવે છે. રાજ્યના મતદારોએ જ્યારે ખોબલે-ખોબલે મત આપી 156 બેઠકો આપી છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારની જવાબદારી પણ બેવડી બને છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહના ગૃહ રાજ્યમાં વિકાસ થાય છે, પરંતુ આવક, સંપત્તિ અને વિકાસની વહેંચણી અસમાન થતી જાય છે. આ બાબત ભૂપેન્દ્ર પટેલની સરકારને આગામી સમયમાં પડકાર તરીકે સામનો કરવો પડશે.