- ભાજપે પાટીદારોને મહત્વ આપ્યું છે
- હવે પછી 14 મહિના નવા સીએમ માટે ખૂબ પડકારજનક
- કડવા અને લેઉઆ પટેલ ખુશ થયા
અમદાવાદ: ગુજરાતના સીએમ કોણ? દરેક ગુજરાતવાસીઓ એક બીજાને પુછતાં હતા, પણ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા છે. તાજેતરમાં જ કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે ભાજપ એટલે પાટીદાર અને પાટીદાર એટલે ભાજપ આ વાતને ભાજપના મોવડીમંડળે મ્હોર મારી છે.
નરેશ પટેલનું નિવેદન ખૂબ મહત્વનું પુરવાર થયું
ખોડલધામવાળા નરેશ પટેલે ખૂબ મહત્વનું નિવેદન કર્યું હતું કે સીએમ તો પાટીદાર જ હોવો જોઈએ. તે પછી રાજકીય ક્ષેત્રે ખૂબ મોટી હલચલ થઈ હતી, અને તમામ જ્ઞાતિઓએ માંગ કરી હતી કે સીએમ અમારી જ્ઞાતિના હોવા જોઈએ. હવે આ વાત સાચી પડી છે. ભાજપમાં પાટીદાર પાવર ચાલ્યો છે. ભૂપેન્દ્ર પટેલ પહેલી વખત ધારાસભ્ય બન્યા પછી તેમને સીએમ પદ મળ્યું છે. હવે પાટીદાર સમાજ ખુશ થશે. અને જે પાટીદાર કોંગ્રેસ સાથે કે આમ આદમી પાર્ટી સાથે ગયા છે, તેઓ ભાજપ પાસે પાછા આવશે.
આ પણ વાંચો: આનંદીબેનની બેઠક પરથી ચૂંટાયેલા ભૂપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના નવા મુખ્યપ્રધાન
હવે નવા સીએમ માટે 14 મહિનાનો સમય પડકારજનક હશે
ભૂપેન્દ્ર પટેલ માટે હવે ખૂબ મહત્વનો સમય છે. 2022ના ડીસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેને 14 મહિનાનો સમય બાકી છે. આ 14 મહિના માટે ભૂપેન્દ્ર પટેલે પાટીદારોને તે કડવા હોય કે લેઉઆ હોય તેમને એક કરીને ભાજપ તરફી લાવવા પડશે. લોકપ્રિય એવા પગલા ભરવા પડશે, જેથી ગુજરાતની જનતા ભાજપ તરફી જ રહે. ટૂંકમાં ભૂપેન્દ્ર પટેલ માટે 14 મહિના ખૂબ જ ટફ રહેશે અને આ કાંટાળો તાજ હશે, કારણે તે 2022ની ચૂંટણી હવે નવી સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જ લડાશે. અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે 182માંથી 182 બેઠકો જીતવાનો ટાર્ગેટ આપ્યો છે. જેથી ભાજપ માટે ખૂબ જ મોટો પડકાર છે.
અમદાવાદથી બ્યુરો ચીફ ભરત પંચાલનો વિશેષ અહેવાલ....