- રાજ્યમાં ફરી એક વખત બર્ડ ફ્લુનો પગપેસારો
- અમદાવાદમાં એક કેસ નોંધાતા તંત્ર સતર્ક
- તાજેતરમાં એક પણ કેસ ન નોંધાતા હાશકારો અનુભવ્યો હતો
અમદાવાદ: શહેરના સોલા વિસ્તારમાં આવેલા એક પોલ્ટ્રી ફાર્મમાં મરઘાનો બર્ડ ફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તકેદારીના ભાગરૂપે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યા મુજબ, માંસ-મટન તેમજ પક્ષીઓના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ ઉપરાંત ઇંડા અને ખાદ્ય પદાર્થોનો પણ નાશ કરી દેવાનો હુકમ અપાયો છે.
આ પણ વાંચો: ભારતમાં ફાટી નીકળેલા એવિયન ઇન્ફ્લુએન્ઝા રોગચાળાનો ભૂતકાળ
તાજેતરમાં જ રાજ્યભરમાં હજારો પક્ષીઓનાં મોત નિપજ્યા હતા
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ભાવનગરના મહુવા પંથકમાં પણ બર્ડ ફ્લૂની દહેશત ફેલાઇ હતી. જે અંતર્ગત મહુવાના કોટિયા ગામે 15 પક્ષીઓના મોત થયા હતાં. મરઘીઓના મોતથી લોકોમાં ચિંતાનો માહોલ છવાયો હતો. જ્યારબાદ વેટરનીટી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે એક વાર ફરીથી રાજ્યમાં બર્ડ ફલૂનો પગપેસારો થયો છે. અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા એક પોલ્ટ્રી ફાર્મમાં એક મરઘાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી કલેકટરે માંસ, મટન અને પક્ષીઓના વેચાણ પર પ્રતિબંધ મૂકીને ઇંડા અને ખાદ્ય પદાર્થોનો નાશ કરવા અંગે જાહેરનામામાં હુકમ કર્યો છે.
આ પણ વાંચો: આપત્તિ તેની પાંખો ફેલાવી રહી છે