અમદાવાદ: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં ત્રણ શહેરોમાં દિવ્ય દરબારનું આયોજન કરવા જઈ રહ્યા છે. દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્યગુજરાતમાં આયોજિત આ દિવ્ય દરબારમાં લાખોની ભીડ ઉમટી પડે તેવી શક્યતા છે. સુરત, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં દિવ્ય દરબારની ઘોષણા બાદ વિરોધના સુર પણ રેલાયા છે. આ દરમિયાન અનેક લીલાઓ બાબની જોવા મળશે.
સુરતમાં ભવ્ય રોડ શો: સુરતમાં 26 અને 27 મેએ બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાવા જઈ રહ્યો છે. જેની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો 1 કિલોમીટર લાંબો રોડ શો પણ યોજાશે. તેઓ લોકોનું અભિવાદન ઝીલતા-ઝીલતા સ્ટેજ પર પહોંચે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહી શકે છે. મળેલી માહિતી અનુસાર લોકગાયકો કીર્તિદાન ગઢવી અને આશાબેન વૈષ્ણવને પરફોર્મ કરી શકે છે.
ચાંદીની 'ગદા'ભેટ: ટેક્ષટાઈલ સીટી સુરતના કાપડના ઉદ્યોગપતિ સાવરજી બુધિયા બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીને ઉપહાર સ્વરૂપ ચાંદીની ગદા આપશે. ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં દિવ્યા દરબારમાં હાજરી આપશે. આ ગદા બનાવનાર જ્વેલર્સ દીપકભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે, આ ખાસ ગદા બનાવવા માટે અમને પંદર દિવસ પહેલા જ ઓર્ડર મળ્યો હતો. આ સંપૂર્ણ રીતે હેન્ડમેન્ટ છે, એમાં મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ ગદાનું વજન 1161 ગ્રામ છે અને ચાર કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ગદાની ડિઝાઇનની વાત કરવામાં આવે તો, ખાસ ભારતીય પરંપરાગત જે ડિઝાઇન હોય છે, તે આ ગદા ઉપર જોવા મળશે. 15 દિવસમાં ગદા તૈયાર કરવામાં આવી છે અને સૌથી અગત્યની વાત છે કે કારીગરોએ આ ગદાને પોતાના હાથે તૈયાર કરી છે.
સ્ટેજ અમેરિકન ડોમ મુજબ તૈયાર કરવામાં આવ્યું: લાંબા સમયથી બાગેશ્વર ધામ સરકાર તરીકે હંમેશા ચર્ચામાં રહેતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારનું આગામી 29 અને 30 મે રોજ અમદાવાદના ચાણક્યપુરી સેક્ટર 6માં આયોજન કરવામાં આવ્યું છે. બાગેશ્વર ધામ સરકારના અમદાવાદમાં રોકાણ દરમિયાન કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે એક નવું અદ્યતન મકાન તૈયાર કરવામાં આવ્યું છે. આ મકાન દિવ્ય દરબાર કાર્યક્રમના સ્થળથી માત્ર 100 મીટરના અંતરે જ બનાવવામાં આવ્યું છે. આ મકાનમાં અંદાજિત 15 જેટલા રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમણે જમવા માટે પણ કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તેમના જ રસોઈયા સાથે રાખવામાં આવશે. દિવ્ય દરબાર બહાર ખુલ્લા પ્લોટમાં કરવામાં આવશે. બાગેશ્વર ધામ સરકારનું સ્ટેજ અમેરિકન ડોમ મુજબ તૈયાર કરવામાં આવશે.
ભવ્ય શોભાયાત્રા નીકળશે: રાજકોટમાં 29મી તારીખના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના ત્રિકોણ બાગથી શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવશે. જેમાં લક્ઝરીયસ કારનો કાફલો પણ હશે. તો સાથે જ 1000થી પણ વધુ વાહન ચાલકો આ શોભાયાત્રામાં જોડાશે. તો સાથે જ ગુજરાતભરના સંતો મહંતો પણ આ શોભાયાત્રામાં હાજરી આપશે. શોભાયાત્રા રાજકોટ શહેરના ત્રિકોણ બાગથી શરૂ થઈ રાજકોટ શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ રેસકોર્સ મેદાન ખાતે પૂર્ણ થશે.