અમદાવાદ: બાબા બાગેશ્વરના અમદાવાદમાં 29 અને 30મીએ દિવ્ય દરબાર યોજાવાનો હતો, પરંતુ ભારે વરસાદને પગલે 29મીનો દિવ્ય દરબાર રદ કરવામાં આવ્યો છે. જોકે બાબા મોડી રાત્રે ચાણક્યપુરીમાં અમુક સમય માટે પહોંચ્યા હતા અને ભક્તોનો આભાર માન્યો હતો. મહત્વનું છે કે, ચાણક્યપુરીમાં યોજાનાર દિવ્ય દરબારનું સ્થળ બદલીને ઓગણજ ખાતે કરાયું હતું, જોકે ત્યાં પણ વરસાદી પાણી ભરાતા દિવ્ય દરબાર રદ કર્યો હતો.
બાબાએ આપ્યું નિવેદન : અમદાવાદ થી બાબા બાગેશ્વર હિંમતનગર જવા માટે રવાના થયા હતા. તે સમયે તેમને મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે સાંજે વટવામાં દરબારનું આયોજન કર્યું છે તેમાં હું આવી રહ્યો છું.
વટવામાં તડામાર તૈયારીઓ: આજે બાબા બાગેશ્વર અમદાવાદના વટવા ખાતે આવેલા શ્રીરામ મેદાનમાં સાંજે 5 થી 7 દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. જોકે તે પહેલા બાબા બાગેશ્વર હિંમતનગર ખાતે આવેલા બાલાજી ફૂડ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા માટે જશે. બપોરે 3 વાગે તેઓ હવાઈ મારફતે હિંમતનગર ખાતે પહોંચી ત્યાંથી પરત અમદાવાદ આવશે અને સાંજે વટવા ખાતે દિવ્ય દરબારમાં ભક્તોને આશીર્વાદ આપી કોટક હાઉસમાં રાત્રી રોકાણ કરશે.
પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ દાદાના દર્શન: બુધવારે સવારે 8 વાગે બાબા બાગેશ્વર અમદાવાદથી સોમનાથ પહોચશે, જ્યાં પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ દાદાના દર્શન કરી બાદમાં ત્યાંથી રાજકોટ પહોચશે અને જ્યાં બે દિવસીય દિવ્ય દરબારમાં ઉપસ્થિત રહશે. બાબા બાગેશ્વરને મળવા માટે અનેક નેતાઓ, ઉદ્યોગપતિઓ અને સંતો મહંતો કોટક હાઉસ ખાતે એક બાદ એક પહોંચી રહ્યા છે, તેવામાં આજે સવારે સરખેજમાં ભારતી આશ્રમના મહંત ઋષિ ભારતી બાપુ પહોંચ્યા હતા. તેઓ બાબા બાગેશ્વરને લંબે નારાયણ આશ્રમના પ્રવેશદ્વારના ભૂમિ પૂજન માટે આમંત્રણ આપવા પહોંચ્યા હતા.
ઋષિ ભારતી બાપુએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગઈ કાલે અમને ઘાટલોડિયામાં આમંત્રણ હતું અમે ગયા હતા અને ધીરેન્દ્ર શાસ્ત્રીને મળ્યા હતા. તેઓ સનાતન ધર્મ અને ભારતવર્ષના વિકાસ અને હિન્દૂ રાષ્ટ્રની વાતો કરી રહ્યા છે. જેનું અમને સંતોને ગર્વ છે. આટલી નાની ઉંમરે જે મોટા સંતો ન કરી શકે તે કામ ધીરેન્દ્ર શાસ્ત્રી કરી રહ્યા છે, એટલે એમને ગર્વ છે. આજે અમે ધીરેન્દ્ર શાસ્ત્રીને આમંત્રણ પાઠવવા આવ્યા છીએ, અમારે લંબેનારાયણ આશ્રમમાં મોટો ગેટ બનાવવાનો છે, જેનું ભૂમિ પૂજન આજે છે તેના ઉદ્ઘાટન માત્ર અમે બાબાને આમંત્રણ આપવા આવ્યા છીએ.