અમદાવાદ : સાબરમતી જેલમાં પાકા કામના કેદી તરીકે કેદ ઉત્તરપ્રદેશના માફિયા અતીક અહેમદ પર યુપી પોલીસે સકંજો કસ્યો છે. જેલમાં બંધ અતીક અહેમદ સામે 101 જેટલા ગુના ઉત્તરપ્રદેશમાં નોંધાયા છે. ગત સપ્તાહે જ તેને અપહરણ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તેવામાં તેની સામે નોંધાયેલા અન્ય એક ગુના મામલે યુપી પોલીસના એક અધિકારી અમદાવાદની સાબરમતી જેલ ખાતે પહોંચ્યા છે.
આ પણ વાંચો : Atiq ahmed Case: અતિક અહેમદને આજીવન કેદની સજાના એલાન બાદ સાબરમતી જેલમાં શિફ્ટ કરાયો
માથા પર બંદૂક રાખી ધમકી : અતિક અહેમદ સામે વર્ષ 2021માં નોંધાયેલા એક ગુના સંદર્ભે પૂછપરછ કરવા માટે યુપી પોલીસના એક પોલીસ અધિકારી સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે કોર્ટ ઓર્ડર લઈને પહોંચ્યા છે. અતીક અહેમદના જ નજીકના એક સંબંધી જીશાન નામના યુવકે વર્ષ 2021માં અતિક અહેમદ સામે વસુલીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં 5 કરોડ રૂપિયા ન આપતા જીશાનના માથા પર બંદૂક રાખી JCBથી ઘર તોડી પાડવાનો અતીક પર આરોપ લગાવ્યો હતો.
યુપી પોલીસને જેલમાંથી રિમાન્ડ : જે કેસમાં અતીકની પૂછપરછ માટે કોર્ટમાંથી યુપી પોલીસને જેલમાંથી રિમાન્ડ મળ્યા છે. જેથી તેની પૂછપરછ કરવા માટે જેલ વિભાગને અગાઉથી જાણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં યુપી પોલીસની ટીમ અમદાવાદની સાબરમતી જેલમાં અતિક અહેમદની તે કેસમાં પૂછપરછ કરવા માટે પહોંચશે.
પાકા કેદીને વળતર : મહત્વનું છે કે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં અતિક અહેમદ હવે પાકા કામનો કેદી તરીકે કેદ છે. પાકા કામના કેદી બન્યા બાદ જેલમાં કેદ ગુનેગાર જેલમાં કામ કરતો હોય છે. તેના બદલે તેને વળતર ચૂકવવામાં આવે છે, જોકે હજારો કરોડોની મિલકત ધરાવનાર અને વૈભવી જીવન વિતાવનાર માફિયા અતિક અહેમદે હજુ કોઈ પણ કામ કરવા માટે જેલ વિભાગને જાણ કરી નથી. જેલમાં કામ કરવું ન કરવું એ સ્વૈચ્છિક બાબત હોય છે. તેવામાં હવે અતિક આગામી દિવસોમાં કંઈક કામ કરે છે કે પછી પોતાનો સમય આરામ કરવામાં જ વિતાવે છે તે તો આવનારો સમય બતાવશે.
આ પણ વાંચો : SC on Atiq Ahmad: અતિક અહેમદની સુરક્ષાની માંગ પર વિચાર કરવાનો ઇનકાર
હાઈ સિક્યોરિટી બેરેકમાં બંધ : હાલ અતિક અહેમદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં હાઈ સિક્યોરિટી બેરેકમાં બંધ છે. જેમાં જેલના નિયમ અનુસાર સવારે 6થી 12 બેરેક ખુલે છે અને તે અન્ય કેદીની જેલ બહાર હોય છે. જે બાદમાં 12થી 4 ફરી હાઈ સિક્યોરિટી બેરેકમાં રહે છે. તેમજ સાંજે 4થી 6 બેરેકની બહાર આવ્યા પછી સાંજે 6થી બીજા દિવસે સવારના 6 સુધી બેરેકમાં બંધ રહે છે.