અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસ નોંધાતા તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં કોરોનાએ એન્ટ્રી કરી છે. ઉપરાંત દક્ષિણ ભારતના એક રાજ્યમાં કોરોનાને કારણે એક વ્યક્તિનું મૃત્યુ પણ નીપજ્યું છે. ત્યારે ગાંધીનગરમાં પણ કોરોનાના બે કેસ નોંધાયા છે. દક્ષિણ ભારતથી આવેલી બંને મહિલાઓ પરત ફરતાં હોમ આઇસોલેશનમાં રાકવામાં આવી છે. આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોનાના 13 કેસ નોંધાયા છે.
'ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થઇ છે. તેને પગલે સિવિલ હોસ્પિટલ સજ્જ છે. કોઈ પણ વ્યક્તિએ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. ફરીથી કોરોનાની ભયંકર લહેર આવવાની શક્યતા ઓછી છે. પરંતુ જો કદાચ તેવી સ્થિતિ સર્જાય તો તે માટે સિવિલ હોસ્પિટલતંત્ર સજ્જ છે.' - ડો રાકેશ જોશી, સુપ્રિટેન્ડન્ટ, અમદાવાદની સિવિલ હોસ્પિટલ
1200 બેડની હોસ્પિટલમાં કેવી સુવિધા: સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ સંપૂર્ણ કોરોનાની સારવાર માટે આરક્ષિત રાખવામાં આવી છે. આ ઉપરાંત જો જરૂર જણાશે તો તે તમામ બેડને ઓક્સિજન બેડમાં કન્વર્ટ કરવામાં આવશે. આ ઉપરાંત 20,000 લીટરની ઓક્સિજન ટેન્ક સક્રિય છે. કુલ 5,300 લિટરના સાત ઓક્સિજન કન્સન્ટ્રેટર પણ સજ્જ છે. આ તમામની સમયાંતરે ચકાસણી પણ કરવામાં આવે છે. જેમાં ગત 15 ડિસેમ્બરના રોજ તમામ સાધનોની મોકડ્રિલ યોજવામાં આવી હતી.
કોરોના સામે સાવચેતી જરૂરી: સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડન્ટ રજનીશ પટેલે પણ જણાવ્યું હતું કે, “કોરોના સામે ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી. ફક્ત સાવચેતીના પગલા લઇને કોરોનાની મહામારીથી બચી શકાય છે. જેમાં કોરોના ગાઇડલાઇન અનુસાર સેનેટાઇઝેશન સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાની જરૂર છે. જાહેર જગ્યાએ જ્યાં વધુ પ્રમાણમાં લોકો હાજર હોય તેવા સ્થળો પર ખાસ કરીને માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું હિતાવહ રહેશે. આ ઉપરાંત જો કોઈને સામાન્ય શરદી, ખાંસી, કફના લક્ષણ જણાય તો હોમઆઇસોલેશનમાં અન્ય લોકો સુધી ચેપ ફેલાતો અટકશે. તદુપરાંત આ બાબતમાં ડોક્ટરની સલાહ લેવી પણ જરૂરી છે.