અમદાવાદઃ અરવિંદ કેજરીવાલની રાજકીય મુશ્કેલીઓ સતત વધી રહી છે. દિલ્હી રાજકારણમાં અવારનવાર વિવાદો સામે આવે છે. તેમના એક પછી એક નેતાઓ જેલભેગા થઈ રહ્યા છે અને હવે ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં અમદાવાદ કોર્ટે કેજરીવાલને ઝાટકો આપ્યો છે. અરવિંદ કેજરીવાલે આ કેસમાં એક અરજી રજૂ કરી હતી જે કોર્ટે ફગાવી દીધી હતી.
કલમ 197નો હવાલોઃ આજે અમદાવાદ કોર્ટમાં ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસની સુનાવણી થઈ હતી. આ સુનાવણીમાં અરવિંદ કેજરીવાલ પક્ષ તરફથી કલમ 197નો હવાલો આપતી અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં કેજરીવાલ એક રાજકીય નેતા અને જાહેર સેવક છે અને જાહેર જીવનમાં છે તેવું દર્શાવાયું હતું. વધુમાં તે જાહેર જીવન જીવતા હોવાથી તેમની સામે કેસ કરતા પહેલા રાજ્યની પરવાનગી લેવી આવશ્યક હોવાનું જણાવાયું હતું.
કોર્ટે અરજી ફગાવીઃ અમદાવાદ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. જેમાં કેજરીવાલ પક્ષ તરફથી કલમ 197નો હવાલો આપતી અરજી કરવામાં આવી હતી. જેમાં જાહેર જીવન જીવતા જનતાના સેવક સામે કેસ અગાઉ રાજ્યની પરવાનગીની માંગણી થઈ હતી. જો કે ગુજરાત યુનિવર્સિટી તરફથી કેજરીવાલના નિવેદનનો ઉલ્લેખ કરાયો હતો. જેમાં વકીલે દલીલ કરી કે કેજરીવાલે જે નિવેદન આપ્યું છે તે માનહાનિ કરવા આપ્યું છે. તેમના નિવેદનથી ગુજરાત યુનિવર્સિટીની માનહાનિ થઈ છે. આ માનહાનિ કરતા નિવેદન બદલ કેજરીવાલ પર કેસ ચલાવવા માટે 197 કલમને લાગુ કરી શકાય નહીં. આમ કહેતા કોર્ટે આ કેસમાં કેજરીવાલ પર માનહાનિનો કેસ દાખલ કરવા રાજ્યની પરવાનગી અનિવાર્ય ગણી નહતી.
આગામી સુનાવણી 28મી ડિસેમ્બરેઃ કોર્ટે અરવિંદ કેજરીવાલ પક્ષ તરફની કલમ 197નો હવાલો આપતી અરજી ફગાવી હતી. કોર્ટે આગળની સુનાવણી 28મી ડિસેમ્બરે કરવાનો આદેશ આપ્યો છે. 28મી ડિસેમ્બરે થનાર સુનાવણીમાં બંને પક્ષો અને તેમના વકીલોને પુરાવા સાથે હાજર રહેવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે. કોર્ટના આદેશથી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો છે.