શહેરના ઓઢવ વિસ્તારના ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રાજસ્થાનનો લક્ષ્મણ ચૌધરી અને મુંબઈની પૂજા તરકેશ 20 દિવસથી ભાડે રહેતા હતા. પુજાએ સ્યુસાઇડ નોટ લખ્યા બાદ આપઘાત કર્યો હતો પરંતુ તેનું મોત કેવી રીતે થયું તે સામે આવ્યું નથી.
લક્ષ્મણના પરિવારના સભ્યો અને અમે સાથે રહીએ તેમાં રાજી નહોતા અને અમને અલગ પાડતા હતા, જેમાં લક્ષ્મણનો કોઈ વાંક નથી તેવું સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.આ સ્યુસાઇડ નોટ વાંચીને લક્ષ્મણ પણ આપઘાત કર્યો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. પોલીસે લક્ષ્મણના પરિવારના સભ્યોની વિરુદ્ધ ગુનો નોધ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ પૂજાએ 4-10-19ના રોજ તેની માતાને ફોન કર્યો હતો અને તેના બાળકોની સારસંભાળ રાખવા માટે કહ્યું હતું. તે દરમિયાન તેના ભાઈ અજય બબન સાથે વાત થઈ હતી. ત્યારે પૂજાએ જણાવ્યું હતું કે હું હાલમાં અમદાવાદ ઓઢવમાં મારા મિત્ર સાથે રહું છું અને તેનું નામ લક્ષ્મણરામ બાબુરામ ચૌધરી છે, તે રાજસ્થાનનો છે.
હું આ યુવક સાથે હું લગ્ન કરી લેવાની છું. પણ લક્ષ્મણના કાકા ભગારામ તથા તેના સંબંધી દિપક અને બીજા 4 લોકો તેમને હેરાન કરે છે. જેથી હું અને લક્ષ્મણ ત્યાં રહેવા આવીએ છીએ તેવું જણાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે સ્યુસાઈડ નોટના આધારે તપાસ હાથ ધરી હતી અને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા આપવા માટે લક્ષ્મણના પરિવારના ૬ સભ્યો વિરુધ ગુનો દાખલ કર્યો હતો.પોલીસે ગુનો નોધીને લક્ષ્મણના પરિવારના ૬ સભ્યોની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.