અમદાવાદ : મહાઠગ કિરણ પટેલની રેગ્યુલેર જામીન પર દલીલો પુરી થઈ ગઈ છે. હવે સેશન્સ કોર્ટ 26 જુલાઈએ ચૂકાદો સંભળાવશે. અત્રે નોંધનીય છે કે, આ પહેલા મેટ્રો કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. આ કેસની વિગત મુજબ મહાઠગ કિરણ પટેલે અમદાવાદના એક બિલ્ડરને નારોલની 80 લાખ રૂપિયાની જમીન વેચવાનો સોદો કર્યો હતો. જે મુદ્દે કિરણ પટેલે 25 લાખનું બાનાખત કરીને રૂપિયા મેળવી લઈને દસ્તાવેજ કર્યો ન હતો. જેને લઈને ઘટનાના સાત વર્ષ પછી ક્રાઇમબ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી હતી.
અન્ય બે કેસ : તદ્ઉપરાંત કિરણ પટેલ પર બીજા બે કેસ ચાલી રહ્યા છે. જેમાં કિરણ પટેલ દ્વારા એક સાંસદના ભાઈ જગદીશ ચાવડાનો બંગલો રિનોવેશનના નામે પચાવી પાડવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમજ અમદાવાદની હયાત હોટેલમાં G-20 ની પ્રમોશનલ ઇવેન્ટ યોજીને 3.51 લાખ રૂપિયાની ઠગાઇનો કેસ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બે કેસ અમદાવાદની મેટ્રો કોર્ટમાં ચાલી રહ્યા છે.
જામીન અરજી ફગાવી : આ ત્રણેય કેસમાં કિરણ પટેલ સામે મેટ્રો કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. હવે કિરણ પટેલ સામે મેટ્રો કોર્ટમાં ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારે કિરણ પટેલને ચાર્જફ્રેમ માટે ક્રાઇમ બ્રાન્ચ કશ્મીરથી અમદાવાદ લાવી શકે છે. આ ત્રણેય કેસમાં કિરણ પટેલ દ્વારા મેટ્રો કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી પુરી થઈ થઈ છે. જે જામીન અરજીનો ચૂકાદો આપતા કોર્ટે કિરણ પટેલની જામીન અરજી ફગાવી હતી. આવા ગંભીર ગુનામાં અપરાધીને જામીન ન આપી શકાય તેવું કોર્ટે નોંધ્યું હતું.
આવતીકાલે ચુકાદો : હવે કિરણ પટેલના વકીલ નિસાર વૈધે તેમના અસીલની જામીન અરજી મેટ્રો કોર્ટ દ્વારા ફગાવાતાં સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેની પર આજે મંગળવારે દલીલો પુરી થઈ ગઈ છે. કિરણ પટેલની રેગ્યુલર જામીન અરજી મુદ્દે આવતીકાલે 26 જુલાઈના રોજ સેશન્સ કોર્ટ ચૂકાદો આપશે.