- BCCI ની એજીએમ અમદાવાદમાં યોજાશે
- બોર્ડ પ્રમુખ સૌરવ ગાંગુલી સામે અનેક સવાલો થશે
- આઈપીએલ 2021 અંગે ચર્ચા થવાની શક્યતા
અમદાવાદ: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની (BCCI) વાર્ષિક સામાન્ય સભા (AGM) અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 24 ડિસેમ્બરે (ગુરૂવાર) યોજાશે. જેમાં બોર્ડ પ્રમુખ સૌરવ ગાંગુલીની સામે અનેક પ્રશ્નો ઉભા થઈ શકે છે. બોર્ડના હોદ્દેદારો અનેકવિધ ભૂમિકાઓ ભજવી શકતા નથી, તેવું બોર્ડના સભ્યોનું કહેવું છે. ગાંગુલીએ અનેક ભૂમિકા ભજવી છે, જેથી તેનો વિરોધ આ બેઠકમાં થઈ શકે તેમ જાણવા મળી રહ્યું છે.
ગાંગુલીએ અનેક કરારો કર્યાં છે?
બોર્ડના પ્રમુખની ભૂમિકા માનદ્ હોય છે. કોઈપણ બોર્ડ પ્રમુખે અગાઉ જાહેરાતો કરારબદ્ધ કરી નથી. તેનાથી ઉલટુ સૌરવ ગાંગુલી બોર્ડ પ્રમુખ તરીકે એક પછી એક જાહેરાતો કરારબદ્ધ કરી છે. તેમાં પણ તે બોર્ડના સ્પોન્સરની હરીફ કંપનીઓની જાહેરાતોના કરાર કર્યા છે. જેથી પ્રાયોજકો બોર્ડને સવાલ પુછવા માંડ્યા હતા અને બોર્ડના સભ્યોમાં રોષ છે. કારણ કે, અગાઉ બોર્ડના પ્રમુખે આવા કોઈ કરાર કર્યા નથી.
રોહિત શર્માની ફિટનેસ બાબતે નિવેદન
બોર્ડના સભ્યો ભૂતપૂર્વ કૅપ્ટન દિલીપ વેંગસરકરે કરેલી ટિપ્પણીની પણ ચર્ચા કરી શકે છે. દિલીપ વેંગસરકરે ગાંગુલી અંગે કહ્યું હતું કે, તે એકસાથે કેટલાય લોકો વતી બોલી રહ્યા છે. રોહિત શર્માની ફિટનેસ બાબતે તેમણે કંઇ બોલવાની જરૂર નહોતી. તે સિવાય આઈપીએલના આયોજન અંગે આઈપીએલ પ્રમુખ નિવેદન કરે તો તેના બદલે ગાંગુલી બોલ્યો હતો. આ ઉપરાંત અનેકવિધ મુદ્દાઓને લઈને એએજીએમ તોફાની બની રહેવાની હોવાની જાણકારી મળી રહી છે.
બોર્ડના 28 સભ્યો હાજર રહેશે
24 ડિસેમ્બરે ગુરુવારે યોજાનારી એજીએમમાં બોર્ડના તમામ 28 સભ્યો હાજર રહેશે. એજીએમમાં હૈદરાબાદ બોર્ડના અઝહરુદિન સહિત બીસીસીઆઈ ઈલેકટોરલ બોર્ડના 28 સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. તેમજ પહેલા આ એજીએમ મોટેરા સ્ટેડિયમમાં યોજાવાની હતી પણ હવે એજીએમ હોટલમાં પણ યોજાઇ તેવી શક્યતા છે. તે અગાઉ તમામના કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ મોટેરા સ્ટેડિયમમાં યોજાયો હતો
અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે અને તેમાં 1,14,000 પ્રેક્ષકો બેસી શકે તેટલી ક્ષમતા ધરાવે છે. આ સ્ટેડિયમમાં જ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો હતો. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર સાથે સીધા અમદાવાદ આવીને રોડ શો કરીને સીધા સ્ટેડિયમમાં આવ્યા હતા, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જે મુલાકાત ડોનાલ્ડ ટ્રમ્પ માટે ખૂબ જ યાદગાર બની ગઈ હતી. આ એ જ ઐતિહાસિક સ્ટેડિયમનું ઉદ્ઘાટન સાથે હવે ફ્રેન્ડલી મૅચ યોજાવા જઈ રહી છે અને સાથે એજીએમ પણ યોજાશે.
મોટેરામાં આગામી મૅચ
ઇંગ્લેન્ડની ટીમ આગામી 2021 જાન્યુઆરીમાં પ્રવાસ કરશે. આ સાથે જ આ સિરીઝની ભારત સાથેની ટેસ્ટ વન-ડે અને ટી-20 મૅચ રમાશે. જેમાં અમદાવાદમાં બે ટેસ્ટ અને પાંચ ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચ રમવામાં આવશે. મહત્વનું છે કે, ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન મૅચનું આયોજન અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં કરવામાં આવતા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ 24 ફેબ્રુઆરી 2021 માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મૅચ અમદાવાદમાં રમાશે અને ચોથી ડે ટેસ્ટ પણ અમદાવાદમાં જ રમવામાં આવશે. BCCI ના સેક્રેટરી જય શાહે સત્તાવાર જાહેરાત કરી હતી.