અમદાવાદ : થોડા સમય પહેલા આવેલી ઉડતા પંજાબ ફિલ્મમાં પંજાબમાં ડ્રગ્સની લતથી બરબાદ થતા યુવાધનની હકીકત બતાવી હતી. જોકે તે ફિલ્મ જેવી જ પરિસ્થિતિ ગુજરાતમાં થતી જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ઓછા સમયમાં ધનવાન બનવાના અને વૈભવી જીવન જીવવાની લ્હાયમાં ગુજરાતનું યુવાધન પણ ડ્રગ્સના રવાડે ચઢી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા દોઢ વર્ષમાં મોટાભાગના ડ્રગ્સ કેસમાં યુવતી અથવા મહિલા આરોપી સંકળાયેલી હોય તેવું સામે આવ્યું છે. પરંતુ આ યુવતીઓ કેવી રીતે આ કાળા કારોબારમાં જોડાય છે અને શા માટે પોતાનું જીવન બરબાદ કરવું પડે છે ? જાણો અમદાવાદની રિવોલ્વર રાની તરીકે ઓળખાતી મહિલા ડ્રગ પેડલરની રોમાંચક કથા
કોણ છે રિવોલ્વર રાની ? અમદાવાદના રાણીપ નજીક કાળી ગામમાં રહેતી એક 31 વર્ષીય યુવતીના પિતાનું વર્ષો પહેલા મોત થયું છે. માતા કેન્દ્ર સરકારની નોકરીમાંથી નિવૃત્ત છે અને ભાઈ વિદેશમાં નોકરી કરે છે. આ યુવતી LLB અને MBAનો અભ્યાસ કર્યો છે. કોલેજમાં અભ્યાસ કરતા સમયે યુવકો સાથે મિત્રતા થઈ અને ધીમે ધીમે મિત્રોની હાઈપ્રોફાઈલ લાઈફ સ્ટાઈલથી તે અંજાઈ ગઈ. ત્યારબાદ ધીરે ધીરે ચા અથવા ગુટખા કે સિગારેટમાં તેના મિત્રો દ્વારા ડ્રગ્સ આપવાનું શરૂ કરવામાં આવ્યું. શરૂઆતમાં તેને આ બધું રોમાંચક લાગ્યું અને બાદમાં તેને ડ્રગ્સની લત લાગી ગઈ.
ડ્રગ માટે કંઈ પણ કરવા તૈયાર : ડ્રગ્સના વ્યસનને પુરૂ કરવા માટે આ યુવતીએ પોતાના ઘરમાં રહેલા દાગીના અને પૈસા ચોરી કરવાનું શરુ કર્યું. ડ્રગ ખરીદવાના પૈસા માટે તેણે પોતાના દાગીના પણ વેચી નાખ્યા. પરંતુ નશો છુટવાનો હતો નહીં. એટલે ડ્રગ પેડલરે તેને જ ડ્રગ્સ વેચવા માટેની ઓફર કરી. કારણ એક માત્ર કે તે યુવતી સુંદર અને દેખાવડી હતી. તે અનેક યુવાનોને મિત્ર બનાવી તેઓને ડ્રગ્સ વેચીને પૈસા કમાવી પેડલરને આપી શકતી. તેના બદલામાં યુવતીને પણ રોજના વ્યસન માટે ડ્રગ્સ મળી જતું હતું.
નશામાં ભાન ભૂલી યુવતી : ડ્રગના કારોબારમાં આવ્યા બાદ ધીરે ધીરે આ બાબત વધતી ગઈ. આ યુવતી રાત્રે 2-3 વાગે ઘરે આવતી. ક્યારેક તો 2-3 દિવસે એક વાર ઘરે જવાનું શરૂ કર્યું. જોત જોતામાં તે અમદાવાદ શહેરની નામચીન ડ્રગ્સ પેડલર બની ગઈ. આ કહાની છે અમદાવાદની રિવોલ્વર રાની ઉર્ફે વિશાખા મેધવાલની. જેની હાલમાં જ એસઓજી ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આ જ રીતે અમદાવાદની અનેક યુવતીઓને પહેલા મફતમાં ડ્રગ્સ આપી અને નશાની ટેવ પાડવામાં આવે છે. બાદમાં તેઓનો ડ્રગ્સ પેડલર તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાનું સમગ્ર રેકેટ લાંબા સમયથી ચાલી રહ્યું છે.
યુવાનોને બનાવતી શિકાર : થોડા સમય પહેલા વિશાખા મેધવાલના ભાઈએ જ એસઓજી ક્રાઈમને મેઈલ કરીને આ અંગે જાણ કરી હતી. તેણે જણાવ્યું કે, તેની બહેન એમ.ડી ડ્રગ્સનો નશો કરે છે. ઉપરાંત તેના અમુક મિત્રો તેને આ ખરાબ કામ કરાવે છે. ત્યારથી જ રિવોલ્વર રાની એસઓજીની રડારમાં હતી. જોકે તે હવે એસઓજીને હાથે લાગી છે. છેલ્લા 3 વર્ષથી તે ડ્રગ્સના કારોબાર સાથે જોડાયેલી છે. અમદાવાદની જાણીતી સંસ્થા જેમ કે, ગુજરાત યુનિવર્સિટી, IIM, કર્ણાવતી યુનિવર્સિટી સહિતની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના કેફેમાં વિશાખા શિકારની શોધમાં બેસતી હતી. પોતાના ડ્રગ્સના ખર્ચા ઉપાડવા માટે શિકાર શોધતી હતી. કોઈપણ યુવક વિશાખાની સુંદરતા જોઈને મોહી જતો હતો. ત્યારબાદ વિશાખા તેને ધીરે ધીરે ડ્રગ્સના રવાડે ચઢાવી અને બાદમાં ડ્રગ્સ વેચવાના કારોબારમાં જોડી દેતી હતી.
મહિલા ડ્રગ પેડલર્સ સાથે ધરોબો : વિશાખા મેઘવાલ અમદાવાદની અનેક ડ્રગ્સ પેડલર સાથે સતત સંપર્કમાં રહેતી હતી. અમદાવાદ શહેરની બહાર જ્યાં ગ્રામ્ય પોલીસની હદ લાગે ત્યાં જ ડ્રગ્સની ડીલ કરતી હતી. થોડા સમય પહેલા એસઓજીએ ઝડપેલી ડ્રગ્સ પેડલર શબાના સાથે પણ રિવોલ્વર રાનીનો ધરોબો ધરાવતી હોવાનું તપાસમાં ખુલ્યું છે. તેના દ્વારા સપ્લાય કરેલા ડ્રગ્સને અમદાવાદનાં સિંધુ ભવન રોડ સહિતની અનેક જગ્યાઓ પર ગ્રાહકોને પહોંચાડવામાં આવતો.
વિશાખાની વૈભવી લાઈફ સ્ટાઈલ : છેલ્લા એક વર્ષથી તે બોયફ્રેન્ડ કાઝીમ અલી ઉર્ફે વસીમ સૈયદ સાથે પરિચયમાં આવી હતી. જે પહેલાથી જ ડ્રગ્સનો વેપાર કરતો હતો અને અગાઉ પણ એક ગુનામાં તેની સંડોવણી સામે આવી હતી. છેલ્લા એક વર્ષથી તે રોજનું 2 હજાર રૂપિયાનું ડ્રગ્સ લેતી અને વૈભવી લાઈફ સ્ટાઈલ જીવતી હતી. તેના બોયફ્રેન્ડે ડ્રગ્સની સામે તેની સાથે શારીરિક શોષણ કર્યું હોવાનું સામે આવ્યું છે.
પરિવાર પણ કંટાળી ગયો : વિશાખા મેધવાલની વ્યસનની લતના કારણે પરિવાર તેનાથી કંટાળી ગયો હતો. એકવાર વિશાખાના પ્રેમી વસીમ સૈયદે તેને માર માર્યો હતો. આ બાબતની જાણ પરિવારને થતા તેઓએ યુવતીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે અવારનવાર ભાઈ અને માતા સાથે ઝગડો કરી ગેરવર્તણૂક કરતી હતી. નશાની હાલતમાં તેને કોઈ બાબતનું ભાન રહેતું નહોતું. તેની કુટેવના કારણે માતાની ગાડી પણ તેની પાસેથી તેના ભાઈએ લઈ લીધી હતી.
સૌએ છોડ્યો સાથ : યુવતીનો પરિવાર તેની નશાની આદતથી એ હદે કંટાળી ગયો છે કે, હાલમાં જ્યારે યુવતીની એસઓજીએ ધરપકડ કરી છે. તો તેના પરિવારજનો તેને છોડાવવા માટેને પણ ઇન્કાર કરી રહ્યા છે. તેની માતાને કેન્સરની બિમારી છે. ભાઈ ગત વર્ષે જ વિદેશમાંથી ભારત પર ફર્યો છે. જોકે નશાની લત ધરાવતી બહેનને સીધે રસ્તે લાવવા તેને જેલમાં જ રહેવા દેવાનું પરિવારજનો યોગ્ય માની રહ્યા છે.
છેલ્લાં અમુક વર્ષોથી મહિલાઓ અને યુવતીઓ ડ્રગ્સના કારોબારમાં ખૂબ જ સક્રિય બની છે. પહેલા યુવતીઓ ડ્રગ એડિક્ટ બને છે અને પછી પોતે ખર્ચા પુરા કરવા માટે પેડલર બની જાય છે. એસઓજી સતત વોચ રાખીને ડ્રગ્સના દૂષણને દૂર કરવાની કામગીરી કરે છે. પૈસા કમાવવા અને મોજશોખ કરવા માગતી યુવતીઓને ફસાવીને ડ્રગ્સ માફિયાઓ તેઓને આ વ્યવસાયમાં ધકેલે છે.-- એ.ડી પરમાર (PI, એસઓજી ક્રાઈમ બ્રાંચ)
કેવી રીતે બને છે યુવતીઓ ટાર્ગેટ ? મોટાભાગના ડ્રગ્સ પેડલર શૈક્ષણિક સંસ્થાઓ પાસેના કેફેમાં બેઠક કરી યુવતીઓ સાથે મિત્રતા કરે છે. શરૂઆતમાં તેઓને ચા-કોફી અથવા પાન મસાલા, ગુટકા અને સિગરેટમાં ડ્રગ્સ આપે છે. ધીમે ધીમે યુવતીઓને નશાની ટેવ પડી જતા પેડલર ડ્રગ્સના પૈસા માંગે છે. રોજના બેથી ત્રણ હજાર રૂપિયા ખર્ચી ન શકતી યુવતીઓને નવા ગ્રાહક શોધી લાવવાનો ટાર્ગેટ આપવામાં આવે છે. જેના બદલે તેને વ્યસન માટે ડ્રગ્સ અપાય છે.
અમીનાબાનું ઉર્ફે ડોન : અમદાવાદ શહેર એસઓજીએ દોઢ વર્ષ પહેલા લતીફ ગેંગની આમીનાબાનુ ઉર્ફે અમીના ડોનની ધરપકડ કરી હતી. જેની કહાની થોડી અલગ હતી. શરૂઆતથી જ તે ડ્રગ્સના ધંધામાં પૈસા માટે જોડાઈ હતી. 10 વર્ષ જેલની સજા ભોગવીને આવ્યા બાદ પણ તેણે ફરી ડ્રગ્સનો કારોબાર શરૂ કર્યો હતો. પોલીસના હાથે ઝડપાયા બાદ પોલીસે ડ્રગ્સના પૈસાથી બનાવેલા તેના આલીશાન મકાનને પણ તોડી પાડ્યું હતું.
નશામાંથી દેહવિક્રયમાં ધકેલાયા : પરંતુ આ કોઈ એક રિવોલ્વર રાની કે અમીનાબાનુની વાત નથી. આ વાત છે અમદાવાદ શહેરમાં રહેતી અનેક યુવતીઓની, જેઓને માતા પિતા સારા સપના જોઈને શહેરમાં ભણવા માટે મોકલે છે. ત્યારે દિકરીઓ અહીં આવીને નશાની લતે ચડી જાય છે. આ ડ્રગ્સ બાદમાં તેમને દેહવિક્રયના ધંધામાં ધકેલાઈ જાય છે. ક્યારેક નવા ગ્રાહકો લાવવા માટે યુવતીઓને ગ્રાહકોને મનાવવા તેમની સાથે શારીરિક સંબંધો પણ રાખવા પડે છે. ધીમે ધીમે યુવતીને પૈસા અને ડ્રગ્સ બન્ને જોઈતું હોવાથી તે દેહવિક્રયના મોટા રેકેટમાં સામેલ થઈ જાય છે. જેના કારણે ડ્રગ્સ ડીલરોને પૈસા માટે ગ્રાહકો અને શોષણ માટે યુવતીઓ બન્ને મળી જાય છે.
મહિલા પેડલરનું રાજ : મહિલા ડ્રગ પેડલર્સ અંગે પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર છેલ્લા દોઢ વર્ષના ડ્રગ ઝડપાયાના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. વર્ષ 2022 થી આજ સુધીમાં એસઓજીએ 190 પુરુષ આરોપીઓને ડ્રગ્સ સાથે પકડયા છે. જેની સામે 15 મહિલા ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી છે. વર્ષ 2019 થી અત્યાર સુધી ઝડપેલા 365 આરોપીઓમાં 27 મહિલા આરોપી હતી. હજુ પણ અમુક ગુનામાં મહિલા ડ્રગ્સ ડીલર વોન્ટેડ છે. એસઓજીની સાથે સ્થાનિક પોલીસ પણ આ પ્રકારનાં કેસ કરે છે. જેમાં અમદાવાદમાં સીટીએમ વિસ્તારમાંથી પણ પોલીસે હાલમાં જ 37 લાખના MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત 3 ની ધરપકડ કરી હતી.
ડ્રગના દૂષણથી બચવા માટે શું કરવું ? ડ્રગ્સ એ ખૂબ જ મોટુ દૂષણ છે. એકવાર નશાની લત લાગ્યા બાદ જો સમયે ડ્રગ્સ ન મળે તો જે તે વ્યક્તિ આત્મહત્યા સુધીનું પગલું ભરતા હોય છે. નશો ન મળતા માનસિક રીતે વ્યક્તિ તુટી જાય છે. ડ્રગ જેવા નશાથી બચવા માટે સૌથી પહેલા અજાણ્યા મિત્રો દ્વારા આપવામાં આવતી ખાણી પીણીની વસ્તુઓ ન લેવી. પરિવારે પણ હમેશા દીકરા કે દીકરીના મિત્રો કોણ છે અને વ્યસનની ટેવ ધરાવે છે કે નહીં તે અંગે જાણકારી રાખવી જોઈએ. સતત દીકરા કે દીકરી સાથે આ અંગે વાત કરવી જોઈએ.