નરોડા હરીદર્શન ફ્લેટ પાસે રહેતા બંને આરોપીઓએ ભેગા મળી અગમ્ય કારણોસર પોતાની પત્નીઓને એક સાથે મોતને ઘાટ ઉતારી તેમના નાની ઉંમરના બાળકોને ઘરની અંદર આસપાસ મૂકી અને ઘરનો દરવાજો લોક મારી નાસી ગયા હતા. જે બાબતે આસપાસ રહેતા પડોશીઓ દ્વારા નરોડા પોલીસને જાણ કરવામાં આવી હતી અને બનાવનો ગુનો નોંધી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં મુન્નાસિંહ ભદોરીયા અને નરેન્દ્રસિંહ ભદોરીયાની પોલીસ શોધખોળ કરી રહી હતી. 18 વર્ષ બાદ 2 આરોપીઓ પૈકી એકને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
પકડાયેલા આરોપી મુન્નાસિંગની પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપી 1996થી અમદાવાદ નરોડા ખાતે વસવાટ કરતો હતો અને 1997માં પોતાના લગ્ન બાદ તેની પત્ની વંદનાને લઈને અમદાવાદ ખાતે આવ્યો હતો અને તે વખતે પોતે હીરા ઘસવાનું કામ કરતો હતો. આ દરમિયાન તેની પત્ની તેને વારંવાર જણાવતી હતી કે નાની ઉંમરમાં તેના માતા ગુજરી ગયા બાદ કાકા વિરેન્દ્ર સિંહે એની સાથે અવારનવાર બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ કારણે મુન્નાસિંગને પોતાની પત્ની પ્રત્યે નફરત થવા લાગી હતી અને તેની પત્નીને ગર્ભ પણ રહેતું નહોતું તેનો પણ ગુસ્સો હતો.
આ સમય દરમિયાન બીજો આરોપી નરેન્દ્રસિંહ ભદોરીયા તેની પત્ની અને બાળકો સાથે ખોડીયાર નગર ખાતે મકાનમાં રહેવા આવ્યો હતો. જે મકાન નરેન્દ્રસિંહે વેચી પોતે તેના ભત્રીજા મુન્નાસિંગ સાથે નરોડા ખાતે ભાડાના મકાનમાં રહેવા આવ્યો હતો. આ બંને પરિવાર સાથે રહેતા હતા, તે દરમિયાન નરેન્દ્રસિંહને કોઈ કામ ધંધો ન હતો. તેમજ તેની પત્ની સુધા કહ્યા વગર સાંજના સમયે બહાર ફરવા જતી રહેતી હતી અને મોજશોખ કરતી હતી. તે બાબતે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો પણ થતો હતો અને નરેન્દ્રસિંહને પોતાની પત્નીના ચાલચલન પર પહેલેથી શંકા હતી. તે અંગે બંને આરોપીઓ વચ્ચે અવારનવાર વાતચીત પણ થતી હતી.
બંને આરોપીઓને પોતાની પત્ની માટે મનમાં ગુસ્સો ભરાયેલો હતો. જે બાબતે નરેન્દ્રસિંહે પોતપોતાની પત્નીઓને મારી નાખવા માટે જણાવ્યું હતું. બંને આરોપીઓએ પરિવાર સાથે દિવાળીના બીજા દિવસે રાતે પોતાના રૂમમાં સુઈ ગયા હતા તે દરમિયાનમાં નરેન્દ્રસિંહે પોતાની પત્નીનું ગળું દબાવતા અંદરથી અવાજ આવતા મુન્નાસિંહની પત્નીએ અંદરના રૂમ જોવા જવાનું કહેતા મુન્નાસિંગે પણ પોતાની પત્નીનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી. બંનેએ પોતાની પત્નીઓને માર્યા બાદ મૃતદેહ પથારી સાથે ઉપાડી સાથે મૂકી દીધી હતી અને બાળકો અંદરના રૂમ સુતેલા હતા તે રૂમમાં મુકી ફ્લેટના દરવાજાને બહારથી બંધ કરી નાસી ગયા હતા.
આ ઘટનાની જાણ અંગે મુન્નાસિંગે પોતાના સસરાને ફોન કરીને જણાવતા કહ્યું કે, તમારી દીકરીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ઘટનાના 18 વર્ષ બાદ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીને ઝડપ્યો છે અને એક આરોપીની શોધખોળ શરૂ કરી છે.