અમદાવાદ: ચીની સૈનિકો સાથે થયેલ અથડામણમાં શહીદ થયેલા સૈનિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું કે, પૂર્વ લદાખમાં ચીનના સૈનિકો સાથેની અથડામણમાં શહીદ થયેલા 20 ભારતીય સૈનિકોના બલિદાનથી સમગ્ર દેશ હચમચી ગયો છે. હું આ વીર બહાદુરોને સલામ કરું છું અને તેમને હ્રદયના ઉંડાણથી શ્રદ્ધાંજલિ આપું છું. હું પ્રભુને પ્રાર્થના કરું છું કે તેમના પરિવારને સંકટના સમયમાં આઘાત સહન કરવાની શક્તિ પુરી પાડે.
કોંગ્રેસ પાર્ટી દેશની આર્મીની સાથે છે તે આશ્વસ્ત કરતા કહ્યું કે, સંકટની ઘડીમાં કોંગ્રેસ ઈન્ડિયન આર્મી, સૈનિકો, તેમના પરિવાોરો તેમજ સરકારની સાથે છે. તેમણે માંગ કરી કે પીએમએ સ્પષ્ટતા કરવી જોઈએ કે ચીન દ્વારા ભારતના ક્યા હિસ્સામાં ચીને અતિક્રમણ કર્યું છે. આ લોકેશન ક્યું છે. આ અંગે સરકાર શું વિચારે છે અને તેની રણનીતિ શુ છે. શું ભારતીય લશ્કરના કેટલાક જવાનો હજુ પણ ગુમ છે અને કેટલા જવાનો ઈજાગ્રસ્ત થયા છે.
સરકારે લદાખ સરહદે ચીન સાથેની રણનીતિ અને સ્થિતિ પર સરકારના શું વિચારો છે તે જણાવવું જોઈએ. ચીન દ્વારા ભારતીય સરહદમાં કરાયેલા અતિક્રમણ સામે દેશમાં ભારોભાર આક્રોશ છે. ત્યારે વડાપ્રધાને દેશ સામે આવીને કેવી રીતે ચીને ભારતની જમીન પચાવી પાડી તે અંગે સત્ય હકીકત જણાવવી જોઈએ. શા માટે દેના વીર બહાદુરો શહીદ થયા અને એલએસી પર વર્તમાન સ્થિતિ શું છે તે પણ સરકારે જણાવવું જોઈએ તેમ અમિત ચાવડાએ જણાવ્યું હતું.