અમદાવાદ : શહેરના વિવિધ વિસ્તારમાં દબાણ હટાવવાની ઝુંબેશ અંતર્ગત અમદાવાદ મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી અને એલડી એન્જિનિયરિંગ કોલેજ પાસે ખાણીપીણીની 40 જેટલી લારી દૂર કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીના આદેશ બાદ કોર્પોરેશન અને પોલીસ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે હવે લારી પોતાનું ગુજરાન ચલાવતા ધંધાર્થીઓએ મૌન ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો.
દબાણ હટાવો ઝુંબેશ : ગુજરાત યુનિવર્સિટી પાસે અલગ અલગ ચા-નાસ્તાની 40 જેટલી લારીઓ વર્ષોથી ઉભી રહેતી હતી. જેને યુનિવર્સિટી તંત્રએ હટાવી લેવા જણાવ્યું હતું. પરંતુ લારીધારકોએ જગ્યા ખાલી ન કરતા યુનિવર્સિટી સંચાલને કોર્પોરેશન અને પોલીસની મદદથી લારીઓ દૂર કરાવી છે. લારી હટાવ્યા બાદ તે જગ્યા પર યુનિવર્સિટી દ્વારા છોડ અને ઝાડ ઉગાડી દેવામાં આવ્યા છે. હાલ લારી સંચાલકોમાં રોષ જોવા મળ્યો છે. લારી સંચાલકોએ હાથમાં બેનર લઈ મૌન ધરણા કર્યા હતા.
લોન આપી રોજગાર છીનવ્યો ! આ અંગે એક લારી ચલાવનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, અમારે લોનની જરૂર નહોતી ત્યારે પોલીસ અમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને જબરદસ્તી લોન આપી હતી. હવે પોલીસે અમારી લારી બંધ કરાવી તો અમે લોનના હપ્તા કેવી રીતે ભરીશું.
40 પરિવારોની માંગ : લારી ચલાવનાર ચંદ્રકાંત પરમારે જણાવ્યું હતું કે, હું છેલ્લા 13 વર્ષથી આ ગલીમાં લારી ચલાવતો હતો. અગાઉ હું મેઈન રોડ પર લારી ચલાવતો હતો. જે બાદ અમને અંદર જગ્યા આપવામાં આવી હતી. હવે અચાનક જ લારી હટાવવાનું કહેવામાં આવ્યું હતું. અમે લારી ના હટાવી તો પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લારી દૂર કરવામાં આવી છે. અમે પોલીસને પૂછ્યું કે ક્યાં નિયમ કે કાયદા હેઠળ કાર્યવાહી કરો છો તો અમને મૌખિક જવાબ આપવામાં આવ્યો, પરંતુ કોઈ કાગળ આપવામાં આવ્યા નથી.
ધંધાર્થીઓની વ્યથા : લારીધારકોએ વધુમાં જણાવ્યું હતું કે, થોડા સમય અગાઉ અમારે લોનની જરૂર નહોતી છતાં મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા અમને પોલીસ પાસે મોકલવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા અમને લોનની જરૂર ન હોવા છતાં 2-2 લોકોને બોલાવી લોન આપવામાં આવી હતી. જેમાં 10 હજાર, 20 હજાર, 50 હજાર અને 1 લાખ રૂપિયા સુધીની અલગ અલગ લોન આપી હતી. લોન આપી પરંતુ હવે અને ધંધો કરીએ છીએ તે બંધ કરાવ્યો તો અમે લોનના હપ્તા કેવી રીતે ભરીશું.
લારીધારકોનું વિરોધ પ્રદર્શન : વિરોધ નોંધાવતા ધંધાર્થીઓએ કહ્યું કે, લોન પર લોન ચઢાવી દીધી બધા પર, હવે અમે શું કરીશું. અમે યુનિવર્સિટી પાસે જ બેસી રહીશું. અમારી લારી ચલાવવા દેશે ત્યારે લોન ભરીશું. અમે પોલીસને કહ્યું છે કે અમારે દારૂ વેચીને ધંધો નથી કરવો, અમારે લારી જ ચલાવવી છે. અમને કાગળિયા આપવામાં આવે. વકીલે કાગળ મંગાવ્યા છે, પરંતુ પોલીસ કાગળ પણ આપતી નથી. પીઆઈ પર્સનલ મદદ કરવાનું કહે છે, અમારે પર્સનલ મદદ નહીં ધંધો કરવો છે.